જમ્મુ-કાશ્મીરમાં ત્રણ અલગ અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓના મોત

26-Dec-2021

શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષા દળો દ્વારા ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ (Terrorist) માર્યા ગયા હતા. માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી એક IED નિષ્ણાત હતો. આ માહિતી પોલીસે આપી હતી. લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ શોપિયાં જિલ્લામાં માર્યા ગયા. જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે અંસાર ગઝવત-ઉલ-હિંદ આતંકવાદીઓ માર્યા ગયા. આ સિવાય અનંતનાગના શ્રીગુફવારા વિસ્તારના કલાનમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયાંના ચૌગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની હાજરી જાણવા મળી હતી. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની પૂરી તક આપવામાં આવી હતી. જો કે, આતંકવાદીઓએ આ વાતને નકારી કાઢી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે એન્કાઉન્ટર થયું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને બાદમાં એન્કાઉન્ટર સ્થળ પરથી તેમના મૃતદેહો મળી આવ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ શોપિયાંના બ્રીપુરાના સજ્જાદ અહમદ ચક અને પુલવામાના અચન લીટરના રાજા બાસિત યાકુબ તરીકે કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે પોલીસ રેકોર્ડ મુજબ, બંને આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા અને તેઓ આતંકવાદી ગુનાના ઘણા કેસોમાં સામેલ જૂથોનો ભાગ છે. આ ઉપરાંત માર્યો ગયેલો આતંકવાદી ચક યુવાનોને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરવામાં પણ સામેલ રહ્યો હતો.

તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી બે એકે રાઈફલ, ચાર એકે મેગેઝીન અને 32 ગોળીઓ સહીત હથિયારો અને દારૂગોળો સહિત અન્ય સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે જપ્ત કરાયેલ સામગ્રીને વધુ તપાસ માટે રેકોર્ડ પર લેવામાં આવી છે. 

Author : Gujaratenews