નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમનો આ 81મો એપિસોડ હતો. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર થાય છે. પીએમ મોદીએ કહ્યું કે એક દિવસ એવો પણ છે જે આપણે બધાએ યાદ રાખવો જોઈએ. તે ભારતની પરંપરાઓ સાથે ખુબ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ, આ દિવસ તેની સાથે જોડાનારો છે. આ દિવસ છે વિશ્વ નદી દિવસ (World River Day).
પીએમ મોદીએ કહ્યું કે આપણા ત્યાં કહેવામાં આવ્યું છે કે 'पिबन्ति नद्यः, स्वय-मेव नाम्भः'. એટલે કે નદીઓ પોતાનું જળ પોતે નથી પીતી. પરંતુ પરોપકાર માટે આપે છે. આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણા માટે નદી એક જીવંત અસ્તિત્વ ધરાવે છે અને એટલે જ આપણે નદીઓને પણ માતા કહીએ છીએ.
તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે મહા મહિનો આવે છે ત્યારે આપણા દેશમાં અનેક લોકો આખો એક મહિનો માતા ગંગા કે કોઈ પણ નદીના કિનારે કલ્પવાસ કરે છે. નદીઓનું સ્મરણ કરવાની આ પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય કે પછી ક્યાંક અલ્પમાત્રામાં બચી હોય પરંતુ એક મોટી પરંપરા હતી જે સવારે સ્નાન કરતી વખતે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવતી હતી, માનસિક યાત્રા.
20-Aug-2024