ભારતનું સૌથી મોટું પાટીદાર બિઝનેસ સમિટ સુરતમાં યોજાશે, પીએમ મોદી ખુલ્લું મૂકશે, 29 એપ્રિલથી 1 મે દરમિયાન 5થી 7 લાખ વિઝિટર્સ આવશે

25-Apr-2022

સુરત: સરદારધામ દ્વારા ત્રીજી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ -2022નું આયોજન સુરતમાં કરવામાં આવનાર છે. જે આગામી તારીખ 29, 30 એપ્રિલ અને 1 મેના રોજ સુરત ખાતેના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યુ છે કે આ સમિટ દેશની સૌથી મોટી ઇવેન્ટ હશે. આ સમિટમાં જુદા જુદા સેકટરના પ્રદર્શન યોજાશે તેમજ આ સમિટમાં કુલ 950 જેટલા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ સ્ટોલમાં સમગ્ર રાજ્યમાંથી પાટીદાર સમાજ ઉપરાંત સર્વસમાજના ઉદ્યોગકારો તેમના દ્વારા કરાયેલ ઉત્પાદનનું પ્રદર્શન કરશે. તેમજ ત્રણ દિવસની આ બિઝનેસ સમિટમાં સમાજના સફળ ઉદ્યોગકારો તેમજ અન્ય તજજ્ઞો દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ તેમજ આગામી ભવિષ્ય અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું 29 એપ્રિલના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે. આ સમિટના આયોજકોનો અંદાજ છે કે ત્રણ દિવસ દરમ્યાન લગભગ પાંચથી સાત લાખ લોકો આ સમિટની મુલાકાત લેશે. આ સમિટમાંથી હજારો લોકોને રોજગારી તેમજ નવા ઉદ્યોગ કરવાની તક મળશે તેવી આશા છે.

Author : Gujaratenews