વાલીઓ/વિદ્યાર્થીઓ ધ્યાન આપો!!! સ્પીપા દ્વારા આજથી યુપીએસસીનાં તાલીમ વર્ગોનો શુભારંભ

24-Nov-2021

અખિલ ભારતીય સેવામાં ગુજરાતના યુવાનોનું પ્રમાણ નહિવત હોવાથી ગુજરાતમાં રહેતા યુવાનો પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને રાષ્ટ્રવિકાસમાં પોતાનું આગવું યોગદાન આપી શકે એવા હેતુથી સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા દ્વારા પસંદ કરાયેલા યુવાનોને યુપીએસસીની પરીક્ષા માટે નિષ્ણાંતો દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે અને જરૂરી સહાય કરવામાં આવે છે.

 

વર્ષ-૨૦૨૨માં યોજાનાર યુપીએસસીની પરીક્ષાના કોચિંગ વર્ગો આજે ગુરુવારના પવિત્ર દિવસે સ્પીપા અને તેના જુદા જુદા પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે ચાલુ થી રહ્યા છે. સ્નાતક થયેલા યુવાનોની પ્રવેશ પરીક્ષા લઈને ચાલુ વર્ષના કોચિંગ માટે કૂલ ૫૦૦ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરત ખાતેનાં સ્પીપાના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો પર પણ તાલીમવર્ગો શરુ થશે. આ તાલીમ વર્ગોમાં વિષય નિષ્ણાત અનુભવીઓ દ્વારા રોજના સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને કોચિંગ અને માર્ગદર્શન આપવામાં આવશે.

 

સામાન્ય રીતે આવા કોચિંગ મેળવવા માટે વિદ્યાર્થીઓએ બહુ મોટી ફી ચૂકવવી પડતી હોય છે પરંતુ સ્પીપા એ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કામ કરતી સરકારી સંસ્થા હોવાથી કોઈપણ જાતની ફી વગર યુપીએસસી પરીક્ષા માટે તાલીમ આપે છે. વિશેષ બાબત એ છે કે જેટલા તાલીમાર્થીઓ આ તાલીમમાં જોડાશે એ તમામ તાલીમાર્થીઓને એની હાજરીના આધારે મહિને રૂપિયા ૨૦૦૦ સ્ટાઈપન્ડ આપવામાં આવે છે જેમાંથી વિદ્યાર્થીઓ પુસ્તકો કે સહાયક મટીરીયલની ખરીદી કરી શકે. તાલીમ દરમ્યાન વાંચન માટે વિદ્યાર્થીઓને પુરતા પુસ્તકો, મેગેઝીનો, સમાચારપત્રો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 

ગુજરાતના યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ આપવાના સ્પીપાના આ ઉમદા પ્રયાસના પરિણામ રૂપે અત્યાર સુધીમાં કૂલ ૨૩૮ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી છે જેમાંથી આજે કોઈ કલેકટર તરીકે,કોઈ કમિશ્નર તરીકે, કોઈ જીલ્લા વિકાસ અધિકારી તરીકે, કોઈ ડીએસપી તરીકે, કોઈ ઇન્કમટેક્સ કે કસ્ટમ કમિશ્નર તરીકે તો કોઈ વિશ્વના બીજા દેશમાં ભારતના રાજદુત તરીકે એમની સેવાઓ આપી રહ્યા છે.

 

૨૦૨૨નાં વર્ષમાં આયોજિત થનારી પરીક્ષાના તાલીમ વર્ગો માટે તાલીમાર્થીઓની પસંદગી થઇ ચુકી છે પરંતુ જે વિદ્યાર્થીઓ ૨૦૨૩નાં વર્ષમાં આયોજિત થનાર પરીક્ષા આપવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ૨૦૨૨નાં જુન માસ બાદ પ્રવેશ પ્રક્રિયા શરુ થશે. કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષામાં જોડાઈ શકે છે જેના અંગેની વિગતવાર માહિતી સ્પીપાની ઓફીશીયલ વેબસાઈટ www.spipa.gujarat.gov.in પરથી મળી રહેશે. વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે સ્પીપાના ડાયરેક્ટર જનરલ શ્રી આર.સી.મીના, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી કેયુર સંપટ તથા સંયુક્ત નિયામક શ્રી ડી.એસ.શર્મા દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Author : Gujaratenews