ગોંડલ નજીક સર્જાયેલા અકસ્માતમાં સુરતના એક જ પરિવારના છનાં મોત

24-Nov-2021

અમરેલી: (Amreli) રાજકોટ – ગોંડલ હાઇવે (High Way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) મૂળ બગસરાના અને હાલમાં સુરત (Surat) રહેતા એક જ પરિવારના છ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ પરિવાર લગ્ન પ્રસંગે જઇ રહ્યો હતો અને તેમની કારનું ટાયર ફાટતા કાર (Car) પલટીને ડિવાઇડર પરથી ઉછળીને સામેની સાઇડથી પસાર થતી એસટી સાથે અથડાઇ હતી. આ ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા જ્યારે બે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું.

આ ઘટનાની મળતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને મૂળ બગસરા પાસેના મુંજિયાસર ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા (ઉ.વ. 38), પત્ની સોનલબેન (ઉ.વ. 38), પુત્ર ધર્મિલ (ઉ.વ. 12), માતા શારદાબેન (ઉ.વ. 56) બનેવી પ્રફુલભાઈ બાંભરોલિયા, બહેન ભાનુબેન અને ભાણેજ જેની (ઉ.વ. 8) સહિતનાઓ એસેન્ટ કાર નંબર GJ05 CQ 4239 મારફત સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યાં હતાં ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર પરથી ફંગોળાઇને સામેની સાઈડ ઉપરથી પસાર થઇ રહેલી એસટી બસ GJ18Z 4178 સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેનનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું જ્યારે 12 વર્ષીય ધર્મિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આમ આ બનાવમાં કારમાં સવાર સાત પૈકી કુલ છ નાં મોત થઇ ગયા હતાં.

કરુણ ઘટના અંગે અશ્વિનભાઈના નાના ભાઈ મુકેશભાઈ ગઢિયા એ જણાવ્યું હતું કે બે ભાઈ અને બે બહેનો ના પરિવાર માં અશ્વિનભાઈ મોટા હતા બંને ભાઈઓ તેમજ ભાનુબેન નો પરિવાર સુરત સ્થાયી થયો હતો. સૌરાષ્ટ્રમાં માલસિકા, મોટા મૂંજીયાસર અને ભેંસાણ સંબંધી ઓ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય સુરત થી સવારે નીકળ્યા હતા સાંજે ખોડલધામ દર્શન કરી મુંજિયાસર પહોંચવાના હતાં. બંને ભાઈ ઓ નો પરિવાર સાથે રહેતો હોય મુકેશભાઈ નવી હળિયાદ ખાતે સંબંધી ને ત્યાં ખરખરા ના કામે બે દિવસ પહેલા જ આવી ગયા હતા. અકાળે પરિવારના છ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો હતો.

મૃતકના નામની યાદી

અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢિયા

સોનલબેન અશ્વિનભાઈ ગઢિયા

ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢિયા

શારદાબેન ગોવિંદભાઇ ગઢિયા

ભાનુબેન બાંભરોલિયા

ધર્મિલ​​​​ અશ્વિનભાઇ બાંભરોલિયા​​​​​​​

 

 

 

Author : Gujaratenews