હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં થયો નવો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયું હતું લીક

20-Dec-2021

ગાંધીનગર : હેડ ક્લાર્કના પેપર લીક મામલે (GSSSB head clerks exam paper leaked) રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે નવો ખુલાસો થયો છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal)દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું (head clerks exam)પેપર સાણંદમાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક (head clerks exam Paper Leak)થયું હતું. ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ (Abhay Chudasama)પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

10 તારીખે કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હતું

અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. ત્યાર બાદ મંગેશે દીપકને વેચ્યું હતું અને દીપકે આ પેપર જયેશ પટેલને વેચ્યું હતું. પોલીસે આ મામલામાં આરોપી કિશોર, મંગેશ અને દીપકની પણ ધરપકડ કરી છે. જ્યારે જયેશ પટેલ હજી ફરાર છે. પ્રેસના કર્મચારી કિશોર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. કિશોર આચાર્ય સાણંદમાં આવેલા પ્રિંટીંગ પ્રેસનો હેડ છે. કિશોર આચાર્યએ પ્રેસમાંથી પેપર લીધું હતું. 10 તારીખે કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હતું.

પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપ્યું

અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે દેવલ પટેલ પણ ત્યાં જ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપ્યું હતું, મંગેશ પાસેથી 7 લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે જેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

પેપર લીક કૌભાંડ મામલે આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે છેલ્લા 3 દિવસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Author : Gujaratenews