ગુજરાતની 8686 ગ્રામ પંચાયતોમાં 74% વોટિંગ, આજે 5 ગ્રામ પંચાયતમાં ફરી મતદાન

20-Dec-2021

ગાંધીનગર: ગુજરાતમાં રવિવારે 8686 ગ્રામ પંચાયતોમાં (Gujarat gram Panchayat Election) સરપંચની (Sarpanch Election) 8513 અને વોર્ડ સભ્યની 48,573 બેઠક માટે બેલેટ પેપરથી (ballot paper) ચૂંટણી યોજાઇ હતી. જેમા મતદાન માટે મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. જેના કારણે સરેરાશ 74.70 ટકા મતદાન થયુ છે. જોકે, રાજ્યની 5 ગ્રામ પંચાયતોમાં છપાયેલા મતપત્રોમાં ભૂલની સાથે વહીવટી ભૂલને કારણે તા.20-12-2021ના રોજ સવારે 7થી સાંજના 6 કલાક સુધી પુનઃ મતદાન યોજવામાં આવનાર છે. રવિવારની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ઉત્તર ગુજરાતમાં 62 ટકા નોધાયુ છે.આવતીકાલે એટલે મંગળવારે, 21મીએ મતગણતરી થશે.

 

સૌથી ઓછું દક્ષિણ ગુજરાતમાં મતદાન

આ વખતે બેલેટપેપરથી મતદાન થયું હતુ. કુલ 23,907 મતદાન કેન્દ્રો પર મતદાન થયુ હતું. પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયુ હતું જેમાં ઉત્તર ગુજરાતમાં 62 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા અને સૌરાષ્ટ્ર કચ્છમાં 60 ટકા મતદાન નોંધાયુ હતુ.

5 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન

રાજ્યની 5 ગ્રામ પંચાયતોમાં છપાયેલા મતપત્રોમાં ઉમેદવારના નામ, પ્રતિકની પ્રિન્ટમાં ભૂલ થતા ઉપરાંત વહીવટી ભૂલને કારણે તા. 20મી ડિસેમ્બરે પુન:મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વિરણીયા અને દેલોચ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા અને અમરેલી તાલુકાના સરંભડા ગામની પંચાયતમાં પુન:મતદાન સોમવારે થશે.ઉપરાંત પોરબંદરના રીણાવાડા ગ્રામ પંચાયતમાં પણ સોમવારે પુન:મતદાન થશે તેમ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે.

અહીં ચૂંટણી કરાઇ રદ

ઉમેદવારી પત્રોની ચકાસણી પછી અને તા.19-12-2021 ના રોજ મતદાન શરૂ થાય તે પહેલાં ગ્રામ પંચાયતના સરપંચની બેઠક માટેનાં હરીફ ઉમેદવારોનું અવસાન થવાના 4 કિસ્સામાં અને ગ્રામ પંચાયતના વોર્ડની બેઠક માટેના હરીફ ઉમેદવારનું અવસાન થવાના 11 બેઠકોના કિસ્સામાં તે બેઠકોની ચૂંટણી રદ કરવામાં આવી છે. ઉક્ત બેઠકોની ચૂંટણી યોજવા રાજય ચૂંટણી આયોગ નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ જારી કરશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થવા માટે રાજય ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતોના મતદારો, ઉમેદવારો, ચૂંટણી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ / કર્મચારીઓ તથા પોલીસ તંત્રનો આભાર માન્યો છે.

Author : Gujaratenews