હિરોઈનનો પતિએ જ હત્યારો નીકળ્યો: બાંગ્લાદેશી એક્ટ્રેસ રાયમા ઈસ્લામની કોથળામાંથી લાશ મળી હતી, મર્ડરનું કારણ વાંચો...

19-Jan-2022

ઢાકા:બાંગ્લાદેશી અભિનેત્રી રાયમા ઈસ્લામ શિમુની લાશ સોમવાર, 17 જાન્યુઆરીના રોજ સવારે કોથળામાંથી મળી આવી હતી. શિમુની લાશ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના કેરાનીગંજમાં હઝરતપુર બ્રિજની પાસેથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાયમાની લાશને આલિયાપુર વિસ્તારમાં રસ્તાના કિનારે ફેંકવામાં આવી હતી.એક્ટ્રેસની ગરદન પર નિશાન હતાં, આથી જ આ મર્ડર હોવાનું માનવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં એક્ટ્રેસના પતિ તથા તેના મિત્ર ફરહાદ સહિત છ લોકોની શિમુની હત્યાના શંકમદ તરીકે ધરપકડ કરી હતી. હવે પોલીસે એક્ટ્રેસની હત્યા તેના પતિએ જ કરી હોવાનું કહ્યું છે.એક્ટ્રેસના ભાઈએ પોલીસમાં બહેનના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

પતિએ ગુનો કબૂલ કર્યો

ઢાકા પોલીસે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અભિનેત્રીની હત્યા પાછળનું કારણ પારિવારિક ઝઘડો હતું. તેના પતિએ હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી છે. ઢાકાના વરિષ્ઠ ન્યાયિક મેજિસ્ટ્રેટ રાબેયા બેગમે શિમુના પતિ શખાવત અમીન નોબલ તથા તેના મિત્ર ફરહાદને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

એક્ટ્રેસ શૂટિંગ માટે નીકળી હતી

રાયમા બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગ્રીન રોડ વિસ્તારમાં પતિ ને બે બાળકો સાથે રહેતી હતી. શિમુ રવિવાર, 16 જાન્યુઆરીના રોજ સવારે શૂટિંગ માટે નીકળી હતી. ત્યાર બાદ તેનો ફોન પર અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. બાળકોએ વિચાર્યું માતા શૂટિંગમાં બિઝી હશે. જોકે સાંજ સુધી તે ઘરે પરત ના ફરતાં પરિવારે કાલાબાગાન પોલીસ સ્ટેશનમાં એક જનરલ ફરિયાદ કરી હતી.

Author : Gujaratenews