પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ ૨૦૦૬માં સુધારા માટેનું બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ થશે
નવી દિલ્હી :કેન્દ્ર સરકારે પોતાની યોજના અનુસાર યુવતીની લગ્ન માટેની કાયદેસરની વયને ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરી તેને પુરુષોને સમકક્ષ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે પુરુષો અને મહિલાઓની લગ્ન માટેની કાયદેસરની વયને એકસમાન કરવા માટેની એક દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ ૨૦૦૬માં સુધારો કરવા એક બિલ સંસદના ચાલી રહેલાં શિયાળુ સત્રમાં જ મંજૂરી માટે રજૂ થશે. અહેવાલો અનુસાર સૂચિત બિલમાં એક સમાન વિવાહ વય સુનિશ્ચિત કરવા માટે વિભિન્ન સમુદાયોનાં લગ્ન સંબંધિત વિભિન્ન પર્સનલ લોઝમાં પણ પરિણામી પરિવર્તન કરવાની પણ માંગ થઇ શકે છે. હાલમાં મહિલાઓનાં લગ્ન માટેની કાયદેસરની વય ૧૮ વર્ષ અને પુરુષો માટે ૨૧ વર્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ અગાઉ જણાવ્યું હતું કે મહિલાનાં લગ્ન માટેની કાયદેસરની વય કઇ હોવી જોઇએ તે માટે સરકાર વિચારવિમર્શ કરી રહી છે. નોંધનીય છે કે આ નિર્ણય સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ જયા જેટલીના નેતૃત્વમાં ચાર સભ્યોના ટાસ્કફોર્સની ભલામણો પર આધારિત છે.
સરકાર માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો લાવવા માંગે છે
કેન્દ્ર સરકારે લૈંગિક સમાનતા માટે પણ યુવતીઓની લગ્નની વય વધારવાનું નક્કી કર્યું છે. વહેલાં લગ્ન તથા ઓછી ઉંમરે પ્રેગનન્ટ થતી મહિલાઓ અને તેમના બાળકો બંનેમાં પોષણનો અભાવ જોવા મળ્યો છે. આ ઉપરાંત તેની અસર શારીરિક અને માનસિક આરોગ્ય પર પણ જોવા મળે છે.
નાની ઉંમરે લગ્નને કારણે બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર પણ ચિંતાનો વિષય બન્યો છે. મહિલા સશક્તીકરણ પર પણ તેની અસર થાય છે. વહેલાં લગ્ન થતાં કન્યાઓને શિક્ષણ અને આજીવિકાની તક મળી શકતી નથી. આ પગલાંને કારણે બાળ વિવાહ પણ અટકી શકશે.
જેન્ડર એમ્પાવરમેન્ટમાં લગ્નને આપણે અવગણી શકીએ નહીં : જયા જેટલી
ભલામણો પર બોલતા જયા જેટલીએ જણાવ્યું હતું કે બે મુખ્ય બે કારણ હતાં જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જો આપણે તમામ ક્ષેત્રમાં જેન્ડર એમ્પાવરમેન્ટની વાત કરતા હોઇએ તો આપણે લગ્નની બાબતને તેની બહાર રાખી શકીએ નહીં કેમ કે આ એક વિચિત્ર સંદેશ છે કે જ્યારે યુવતી ૧૮ વર્ષની વયે લગ્ન માટે ફિટ થઇ જાય છે કે જે તેના કોલેજ જવા માટેની તકને કાપી નાખે છે, જેની સામે પુરુષને ૨૧ વર્ષ સુધી પોતાના જીવન માટે તથા કમાણી માટે સજ્જ થવાની તક મળે છે. પણ આજના દિવસોમાં યુવતીઓ આટલું બધું કરવા સક્ષમ છે ત્યારે આપણે તેમનામાં પરિવાર માટે કમાણી કરનાર વ્યક્તિ નથી તેવી ફીલિંગ શા માટે આવવા દઇએ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024