પી. ચિદમ્બરમના પુત્રના ઘર પર CBIનાં દરોડા: 7 સ્થળોએ અધિકારીઓ ગેટ કૂદીને અંદર ઘુસ્યા, કથિત વિદેશી રોકાણને લઈ કાર્યવાહી

17-May-2022

સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્તિ ચિદમ્બરમ સામે કથિત વિદેશી રોકાણને લઈને સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. ચિદમ્બરમની દિલ્હી મુંબઈ, ચેન્નાઈ અને તામિલનાડુમાં આવેલી ઓફિસો અને ઘરો પર કાર્યવાહી ચાલી રહી છે. જેની તપાસ ચાલુ છે. સીબીઆઈએ આ કેસમાં 2010-2014 વચ્ચે નવો કેસ નોંધ્યો હતો. આજે એ જ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે.

કાર્યવાહી બાદ કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે આ (સીબીઆઈની કાર્યવાહી) કેટલીયે વાર થઈ છે, હું ગણતરી પણ ભૂલી ગયો છું. આનો રેકોર્ડ રાખવો જોઈએ. 

CBIનાં અધિકારીઓ ગેટ કૂદીને ઘરમાં ઘુસ્યા

દિલ્હીમાં પી ચિદમ્બરમના ઘરનો દરવાજો બંધ હોવાથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓ ગેટ કૂદીને અંદર ઘુસ્યા હતા. સીબીઆઈએ તેની સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. જ્યારે, મુંબઈમાં કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમના ત્રણ સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત હતો.

મની લોન્ડરિંગ સંબંધિત કેસ

મની લોન્ડરિંગ સંબંધિત આ કેસ વર્ષ 2007નો છે અને તે INX મીડિયા કંપની સાથે સંબંધિત છે. તેના ડાયરેક્ટર શીના બોરા મર્ડર કેસના આરોપી ઈન્દ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જી હતા. આ કેસમાં પણ તે બંને આરોપી પણ છે. આરોપો અનુસાર, પી. ચિદમ્બરમે તે સમયે નાણાં મંત્રી રહેતા દરમિયાન લાંચ લઈને INX મીડિયા હાઉસને 305 કરોડનું ભંડોળ લેવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) તરફથી મંજૂરી અપાવી હતી.

એરસેલ-મેક્સિસ ડીલમાં પણ આરોપી છે

આ પ્રક્રિયામાં જે કંપનીઓને ફાયદો થયો છે તે ચિદમ્બરમના સાંસદ પુત્ર કાર્તિ ચલાવે છે. આ કેસમાં 15 મે 2017ના રોજ સીબીઆઈ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે, 2018 માં EDએ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. ચિદમ્બરમ એરસેલ-મેક્સિસ ડીલમાં પણ આરોપી છે. કાર્તિ પર એવો પણ આરોપ છે કે તેણે તેના પિતાના સ્ટેટસનો ઉપયોગ કરીને ઈન્દ્રાણીની કંપની સામે ટેક્સ કેસના મામલાની પતાવટ કરી હતી.

માર્ચ 2018માં ઈન્દ્રાણી મુખર્જીઓ CBIને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતુ કે INX મીડિયાને FIPBની મંજૂરી અપાવવા માટે તેમની અને કાર્તિ ચિદમ્બરમ વચ્ચે 10 લાખ યુએસ ડોલરની ડીલ થઈ હતી. આ પછી, જુલાઈ 2019માં દિલ્હી હાઈકોર્ટે શીના વોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણીએ INX કેસમાં મુખ્ય સાક્ષી બનવા સંમતિ આપી હતી.

પી. ચિદમ્બરમ 106 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા હતા

આ પછી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા 21 ઓગસ્ટે આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈડીએ આ જ કેસમાં 16 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. 4 ડિસેમ્બર 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ED કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમને જામીન આપ્યા છે. તે 106 દિવસ તિહાર જેલમાં રહ્યા હતા.

 

Author : Gujaratenews