મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર સુરતમા, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું કર્યું લોકાર્પણ

15-Oct-2021

ફાઈલ તસવીર

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel ) આજરોજ 15મી ઓક્ટોબરના રોજ સુરત આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુરતમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સુરત કામરેજ રોડ પાસે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નિર્મિત હોસ્ટેલના ભૂમીપુજન પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. આ છાત્રાલયનુ ભૂમિપુજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કરશે.

વડાપ્રધાન મોદીના હસ્તે આ હોસ્ટેલનું ભુમીપૂજન થવાનું હોવાથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હોસ્ટેલનું ભુમીપૂજન વર્ચ્યુઅલી વડાપ્રધાન મોદી દ્વારા થનારૂ હોવાથી પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય મંત્રીઓ કાર્યક્રમ સ્થળે હાજર રહેશે. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત સુરત આવનાર હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રસંગે કેટલાક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.

સુરત મહાનગરપાલિકાના આયોજન પ્રમાણે બપોરે 12.30 કલાકની આસપાસ પણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઓનલાઇન જ મનપાના સુડાના કેટલાક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઇ શકે છે. જોકે જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ 13 જેટલા પ્રોજેક્ટો નું લોકાર્પણ કરશે. તે ઉપરાંત આઠ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે. તંત્ર દ્વારા 22 જેટલા વિકાસ લક્ષી પ્રોજેક્ટો સાકાર કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરથાણા ઝોનમાં શાળાનું મકાન, અને પુણા ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કતારગામ ટ્રાન્સફર સ્ટેશન ખાતે સિવિલ સ્ટ્રક્ચરમાં જરૂરી ફેરફાર સાથે મિકેનાઇઝડ મટીરીયલ્સ ફેસિલિટીઝ પ્રોજેક્ટ ખુલ્લો મુકાશે.

વેસુ અને અલથાણ વિસ્તારમાં આંગણવાડી ખુલ્લી મુકાશે. ઉધનામાં વોર્ડ ઓફિસ અને લાઈટ એન્ડ એનર્જી એફિસિયન્સી સેલ અંતર્ગત કચ્છના નખત્રાણા ખાતે 6.3 મેગાવોટની ક્ષમતાના સ્થાપિત કરવામાં આવેલા વિન્ડ પાવર પ્લાન્ટનું ઓનલાઇન લોકાર્પણ કરવામાં આવશે.

કતારગામ વિસ્તારમાં રૂ.2.37 કરોડના ખર્ચે તૈયાર થયેલા અર્બન કોમ્યુનિટી હોલનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આમ પાલિકાના 126 કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમહૂર્ત અને લોકાર્પણ થનારા પ્રોજેક્ટોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે છે તેવી તંત્ર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Author : Gujaratenews