સુરતમાં વિનામૂલ્યે સર્કસ શો: દિલધડક સ્ટંટ માટે જાણીતું રેમ્બો સર્કસ સુરતીઓને આ તારીખથી 5 દિવસ સુધી વિનામૂલ્યે જોવા મળશે
11-Dec-2021
આજથી વનિતા વિશ્રામ ખાતે શરૂ થતા 'હુનર હાટ'માં વિશ્વભરમાં પ્રખ્યાત રેમ્બો ઇન્ટરનેશનલ સર્કસ સુરતીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. જેના 22 કલાકારો સુરતીઓને એવા હેરતઅંગેજ કરતબો બતાવશે, જે લોકોને દાંત નીચે આંગળી દબાવવા પર મજબૂર કરી દેશે. ઊંચા દરની ટિકીટો ખર્ચીને જોવા મળતું આ પ્રખ્યાત સર્કસ સુરતીઓને વિનામૂલ્યે માણવા મળશે. હવે સુરતીઓ તા.12,14,16,18 અને 20 મી ડિસેમ્બર એમ કુલ 5 દિવસ સુધી સર્કસની મજા માણી શકશે. આ પાંચ દિવસ દરમિયાન પ્રત્યેક દિવસે બે સર્કસ શો યોજાશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર 10 દિવસીય ‘હુનર હાટ’ એક્ઝિબિશનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.
કલાકારોને પણ આજીવિકાની કટોકટીનો સામનો કરવો પડ્યો
એક સમયે સર્કસ ખૂબ જ લોકપ્રિય હતું, પરંતુ સમય જતા સર્કસનું ચલણ ઘટતું ગયું. આ સાથે સર્કસમાં અવનવા કરતબો કરીને લોકોનું મનોરંજન કરતા કલાકારોને પણ આજીવિકાની કટોકટીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે ‘હુનર હાટ’માં સર્કસના પ્રતિભાશાળી કલાકારોને સ્ટેજ અને તક આપીને તેમના કૌશલ્યને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે. દેશભરમાં 'હુનર હાટ'ના કાર્યક્રમોમાં સર્કસને સમાજમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરત શહેર પહેલા લખનૌ, વૃંદાવન, દિલ્હી અને અન્ય શહેરોમાં રેમ્બો સર્કસના કલાકારોએ ‘હુનર હાટ’ના માધ્યમથી કરતબ બતાવીને લોકોની વાહવાહી મેળવી છે.
હસ્તકલા, ભોજન અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વર્ષ 2016માં ‘હુનર હાટ’ની કલ્પના કરી હતી, જેનો હેતુ કળાને સન્માન અને કલાકારને ઓળખ આપવાનો હતો. છેલ્લા 6 વર્ષોમાં ‘હુનર હાટ’ લાખો કારીગરો, શિલ્પકારો અને તેમની સાથે સંકળાયેલા અસંખ્ય લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ‘હુનર હાટ’માં હસ્તકલા, ભોજન અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે. દેશના વિવિધ ભાગોના પરંપરાગત ફૂડ સ્ટોલ તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. બોલિવૂડ અને સંગીતક્ષેત્રના ખ્યાતનામ કલાકારો ઉપરાંત, સ્થાનિક કલાકારોને પણ સ્ટેજ પર તેમની કલા દર્શાવવાની તક મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025