સુરત સુમુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે PMO કાર્યાલયથી તપાસનો આદેશ, સુરત જિલ્લા રજિસ્ટારને તપાસ સોંપવામાં આવી

11-Jan-2022

સુરત સુમુલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. દોઢ વર્ષ બાદ PMOકાર્યાલયથી સહકાર વિભાગને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તપાસ પહેલા દિલ્હીથી ગાંધીનગર અને ગાંધીનગરથી હવે સુરત જિલ્લા રજિસ્ટારને તપાસ સોંપવામાં આવી છે. જિલ્લા રાજીસ્ટારે સુમુલ પાસે ખુલાસો માંગ્યો છે. મહત્વનુ છે કે 9 જૂન 2020 ના રોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા રાજુ પાઠક પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવતા પ્રધાનમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી હતી. 

માનસિંગ પટેલે લગાવ્યો હતો આરોપ

 

માનસિંગ પટેલ માટે માટે હાથે કરેલા હૈયે વાગ્યા જેવો ઘાટ સર્જાયો છે. હાલ તેઓ સુમુલના ચેરમેન છે અને તેમની નિગરાનીમાં જ તપાસ કરીને રિપોર્ટ આપવા કહેવામાં આવ્યુ છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા ફક્ત સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી સમયે પૂર્વ સુમુલના પ્રમુખ અને હાલ ઉપપ્રમુખ રાજુ પાઠક પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ આ આરોપોની કોઈ તપાસ કરવામાં ન આવતા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ મામલે તટસ્થ તપાસની માંગ કરી હતી.

શું હતો સમગ્ર મામલો 

 

વર્તમાન સુમુલના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી સમયે ઉપપ્રમુખ રાજુ પાઠકે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. માનસિંગ પટેલના આરોપથી ખળભળાટ મચી ગયો હતો. જોકે, ત્યારબાદ થયેલી નિયામકની ચૂંટણીમાં ભીનું સકેલી લેવામાં આવ્યું હતું અને ભાજપના આગેવાનો દ્વારા માનસિંગ પટેલને પ્રમુખ અને રાજુ પાઠકને ઉપપ્રમુખ બનાવી સમગ્ર મામલો દબાવી દીધો હતો. 

Author : Gujaratenews