સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની બહારથી જ બ્યુટીફીકેશન માટે મુકાયેલી છત્રીઓ ચોરાઈ

10-Nov-2021

SURAT: ગૃહમંત્રાલયનું પદ મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યું છે. જોકે આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા ગૃહમંત્રીના ઘરની બહાર જ સલામતીની કોઈ વ્યવસ્થા નથી એવું એક ઘટના પરથી સાબિત થાય છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરની બહારથી જ બ્યુટીફીકેશન માટે મુકાયેલી છત્રીઓની થઈ છે ચોરી. આજે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચે તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન પ્રોજેકટ અને એક્ટિવિટી ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં લાઈટો ચોરાઈ ગઈ છે, છત્રીઓ ચોરાઈ ગઈ છે. 

 ચાર દિવસની ચાંદની જેવો ઘાટ આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટનો રહ્યો છે. અહીં લોકો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી તેમના દ્વારા અસંખ્ય ફરિયાદો પણ કરવામાં આવી છે. જે પ્રમાણે, આ એક્ટિવિટી ઝોન જ્યારે તૈયાર કરાયું ત્યારે તો તે જોવાલાયક હતું પરંતુ હવે તેની જાળવણી માટે કોઈ જ હાજર હોતું નથી. જેને લીધે બ્રિજની નીચે જે છત્રીઓથી સુંદરતા ઊભી કરવામાં આવી હતી, તેમાં કેટલીક છત્રીઓને તો તોડી નાંખવામાં આવી છે, અને ચોરાઈ ગઈ છે. એટલું જ નહીં જ્યાં ગાર્ડનિંગ કરાયું છે ત્યાં પણ અંદર ઘૂસીને લોકો ફોટા પાડી રહ્યાં છે. જેને કારણે ગાર્ડનિંગની શોભા પણ બગડી ગઈ છે. આઈ લવ સુરત લખ્યું છે એમ પણ ફક્ત એક-બે અક્ષરની લાઈટો જ ચાલુ છે.

સુરત મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો પ્રોજેકટ પાછળ કરવામાં આવ્યો પરંતુ હવે તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી રહી. મનપાના જવાબદાર અધિકારીઓ એટલા બિન્દાસ બની ગયા છે અને તેનો સીધો ફાયદો તોફાનીઓને થઈ રહ્યો છે.

ફરિયાદોને પગલે આજે મેયર હેમાલી બોઘાવાળા દ્વારા પારલે પોઇન્ટ બ્રિજ નીચે તૈયાર કરાયેલા બ્યુટીફીકેશન પ્રોજેકટ અને એક્ટિવિટી ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં લાઈટો ચોરાઈ ગઈ છે કે છત્રીઓ ચોરાઈ ગઈ છે, અથવા મિલકતને નુકશાન કરવામાં આવ્યું છે તે ક્ષતિઓ દૂર કરવા માટે મેયર દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. અને જરૂર પડ્યે અહીં સિક્યોરિટીની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

Author : Gujaratenews