ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ અને કોઈન ઈન્ટરનેશનલ કંપની દ્વારા જાન્યુઆરી મહીનામાં દુબઈમાં રફ હીરાના અલગ-અલગ આયોજીત બે રફ ટેન્ડરમાં 270,000 કેરેટ રફ હીરાના વેચાણ થકી કુલ 110 મિલિયન અમેરીકી ડોલર પ્રાપ્ત થયા છે.આ રફ હીરાની સરેરાશ વેચાણ કીંમત પ્રતિ કેરેટ 407 અમેરીકી ડોલર થવા જાય છે.

08-Feb-2022

રાજ કીકાણી (મુંબઈ),

ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) અને કોઈન ઇન્ટરનેશનલ કંપની દ્વારા તાજેતરમાં દુબઈ ખાતે રફ હીરાના અલગ અલગ બે ટેન્ડર યોજવામાં આવ્યા હતા.વર્તમાન સમયે રફ હીરાની જંગી માંગના પગલે આ બંને ટેન્ડરને જંગી પ્રતિસાદ મળ્યો હતો.

જાન્યુઆરી 19 થી 25 દરમિયાન ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) દ્વારા રફ ટેન્ડર યોજવામાં આવ્યુ હતુ.જેમા વેચાણ માટે મુકવામાં આવેલા 30,000 કેરેટ રફ હીરાનું ચણા-મમરાની માફક વેચાણ થઈ ગયુ હતુ.

કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગ્રાહક કંપનીઓ નાના કદના અને સસ્તી શ્રેણીના રફ હીરા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. જો કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મોટા કદના રફ હીરાની પણ મજબૂત માંગ રહી હતી.

ઉલ્લેખનિય છે કે આ ટેન્ડરમાં ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ દ્વારા કુલ 30,000 કેરેટ રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવ્યા હતા.જેનું સો ટકા વેચાણ થતા 40 મિલિયન ડોલરથી વધુનો કારોબાર થયો હતો. આ રફ હીરા ભારત સહીત વિશ્વની કુલ 60 મોટી હીરાની કંપનીઓએ ખરીદ્યા છે.

અન્ય એક કંપની કોઈન ઈન્ટરનેશનલ દ્વારા પણ દુબઈમાં છ-દિવસીય રફ ટેન્ડર યોજવામાં આવ્યુ હતુ.જેમા 240,000 કેરેટ રફ હીરા વેચાણ માટે મુકવામાં આવ્યા હતા. આ તમામ રફ હીરાને પણ ભારત સહીત વિશ્વની 200 થી અધિક હીરાની અગ્રણી કંપનીઓએ ખરીદી લીધા હતા.

કોઈન ઈન્ટરનેશનલ કંપનીના સીઈઓ એડમ શુલમેનના કહેવા અનુસાર રફ હીરાની ખરીદી માટે ગ્રાહક કંપનીઓએ ટેન્ડરમાં ભારે હરીફાઈ કરી ખુબ ઉંચી બોલી લગાવી હતી.જેના પરિણામે આ રફ ટેન્ડર અત્યંત સ્પર્ધાત્મક રહેતા કંપની 70 મિલિયન અમેરીકી ડોલરના રફ હીરાનું વેચાણ કરવામાં સફળ રહી હતી.

Author : Gujaratenews