સરકાર ક્રિપ્ટોકરન્સિઝને માન્યતા આપશે તો પેટીએમ બિટકોઇન ઓફર કરશે

07-Nov-2021

દેશમાં ડિજિટલ પેમેન્ટ્સની શરૂઆત કરનાર પેટીએમ ક્રિપ્ટો કરન્સિઝ ઓફરિંગ્સ માટે વિચારી રહી છે. વર્તુળોના જણાવ્યા મુજબ જો સરકાર દેશમાં ક્રિપ્ટો કરન્સઝને સત્તાવાર માન્યતા આપશે તો તે દેશના લોકોને બિટકોઈન ઓફર કરવા માટે વિચારી શકે છે. હાલમાં દેશમાં ક્રિપ્ટો કરન્સિઝને લઈને સ્પષ્ટ નીતિનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેથી ઘણી દ્વિધા પ્રવર્તી રહી છે. 

પેટીએમના ચીફ ફાઈનાન્શિયલ ઓફ્સિર મધુર દેવરાએ બ્લૂમબર્ગ ટીવીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં ક્રિપ્ટો કરન્સિઝને લઈને હજુ સ્પષ્ટ કાયદો ઘડવામાં આવ્યો નથી અને તેથી નિયમનને લઈને ઘણા સવાલો ઊભા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં બિટકોઈન પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો તો પણ હજુ સુધી તેને માન્યતા પણ નથી.આપવામાં આવી અને તેથી રેગ્યુલેશનને લઈને ચિત્ર ધૂંધળું જોવા મળે છે. જો દેશમાં તેને કાયદાકીય માન્યતા આપવામાં આવશે તો ચોક્કસપણે અમે પણ તેને ઓફર કરીશું.અગાઉ ભારતીય સેન્ટ્રલ બેંક આરબીઆઈએ ક્રિપ્ટો કરન્સીઝના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને માર્ચ ૨૦૨૦માં કોર્ટે ઉઠાવી લીધો હતો. ત્યારથી સરકાર ક્રિપ્ટો લેજિસ્લેશનને સ્વીકારવા માટે વિચારણા ચલાવી રહી છે.જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સરકારની આ વિચારણાનો વિરોધ કરી રહી છે અને ક્રિપ્ટો ટ્રેડિંગના તેના પ્રતિબંધને માન્ય ઠેરવવા માટેનો પ્રયાસ કરી રહી છે. પેટીએમ ભારતીય શેરબજારમાં રૂ. ૧૮ હજાર કરોડથી વધુ મૂલ્યના સૌથી મોટા આઈપીઓ સાથે પ્રવેશી રહી છે ત્યારે દેવરાએ ક્રિપ્ટોકરન્સિઝને લઈને પોઝિટિવ વલણ દર્શાવ્યું છે. કંપની દિવાળીના તહેવારો બાદ પ્રાઈમરી બજારમાં પ્રવેશશે.

Author : Gujaratenews