સુરત એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) નો દ્વિતિય વાર્ષિક સમારોહ યોજાયો

07-Jun-2022

સુરત શહેરના મુખ્ય બે ઉધોગ પૈકીનો એક ઉદ્યોગ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ. આ ઉદ્યોગમાં વેલ્યુ એડિશનનું મુખ્ય કામ જેમાં થાય છે એ છે થ્રેડ એન્ડ જરી ઉધોગ. આ ઉદ્યોગ ખુબ મોટો છે. જરી ઉધોગ એ સુરત શહેરની શાન સમો મૂળ પાયાનો ઉદ્યોગ છે, હાલના સમયમાં કરોડોનું રેવન્યુ જનરેટ કરનાર આ ઉધોગનું મુખ્ય સંગઠન સુરત એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા દ્વિતિય વાર્ષિક સમારોહ યોજાયો હતો. જેમાં 3500 થી પણ વધુ વેપારી મિત્રોએ સાથે મળી વેપારને સરળ , સુદઢ અને સુ-વ્યવસ્થિત બનાવવાના ભાગ રૂપે તથા ચીટર મુક્ત વેપાર કરી તેને વધુ વેગવાન બનાવવા માટેના પ્રયાસ રૂપે સૌ વેપારીમિત્રો કટિબદ્ધ થયા હતા. એસોસિએશન ઉપપ્રમુખ દિપકભાઈ કુકડીયા એ જણાવ્યું કે આ કાર્યક્રમ ની સાથે-સાથે સામાજિક એકતાના ભાગ રૂપે એક મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં અંદાજીત 200 પણ વધુ રક્ત યુનિટનું એકત્રીકરણ થયું હતું.

 

કાર્યક્રમના મુખ્ય ભાગ રૂપે મોટિવેશનલ સ્પીકર અને ગુજરાત રાજ્યના સનદી અધિકારી એવા શૈલેષભાઇ સગપરિયા દ્વારા એસોસિએશન એકતાની અનન્ય વાત ને ઉદાહરણો દ્વારા સરળ ભાષામાં લોકોને સમજુતી આપીને મોટીવેટ કરવામાં આવ્યા હતા. એસોસિએશનનાં સંગઠન મંત્રી મહેન્દ્રભાઈ ઝડફિયા એ વધુમાં જણાવ્યું કે એસોસિએશન દ્વારા માનવતાના ભાગ રૂપે 3 વર્ષ પહેલાં બનેલી કરૂણ ઘટના તક્ષશિલા અગ્નિકાંડ માં બાળકો ને બચાવવાની કામગીરી માં ભોગ બનેલા જતીનભાઈ નાકરાણી ને એસોસિએશન દ્વારા રોકડ રકમ 1,01,000 ₹ તથા એસોસિએશન ના સભ્યો દ્વારા વ્યક્તિગત ધોરણે અંદાજીત 2,50,000 ₹ ની સહાય એમ ટોટલ 3,50,000 ₹ રકમ એકઠી કરેલ છે. કાર્યક્રમમાં અન્ય સંસ્થા જેવી કે ચેમ્બર ઓફ કોમર્સ FOGWA, FIASVI અને ટીમ સરદારધામ ના પ્રતિનિધીઓ જોડાયા હતા અને તેમના દ્વારા વેપારને એકજુથ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

 

Author : Gujaratenews