નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ટીકા કરી છે અને આ અંગે ફરિયાદ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે. કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રવિન્દ્રનના પત્રમાં ૧૫ નિવૃત્ત ન્યાયાધીશો, ૭૭ નિવૃત્ત અમલદારો, ૨૫ નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ તેમના નિવેદન પર હસ્તાક્ષર કરીને સમર્થન કર્યું છે. તમને જણાવી દઈએ કે નુપુર શર્માએ દેશના અલગ-અલગ રાજયોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
નુપુરની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલની ખંડપીઠે મૌખિક ટીપ્પણી કરતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં આગ લગાવવા માટે તેમનું નિવેદન જવાબદાર છે. આ ટિપ્પણી બાદ અલગ-અલગ સંગઠનો દરરોજ ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરી રહ્યા છે. કેરળ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પીએન રવીન્દ્રને ચીફ જસ્ટિસને પત્ર લખીને કહ્યું છે કે આ ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી છે. તેમના પત્ર પર ન્યાયતંત્ર, નોકરશાહી અને સેનાના ૧૧૭ ભૂતપૂર્વ અધિકારીઓ અને ન્યાયાધીશોના હસ્તાક્ષર છે.
પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પીએન રવિન્દ્રનના પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘જવાબદાર નાગરિક તરીકે અમે માનીએ છીએ કે કોઈપણ દેશની લોકશાહી ત્યાં સુધી ટકી શકશે નહીં જયાં સુધી તમામ સંસ્થાઓ બંધારણ મુજબ તેમની ફરજો નહીં બજાવે. સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોએ તેમની તાજેતરની ટિપ્પણીમાં લક્ષ્મણ રેખાને વટાવી દીધી છે અને અમને આ નિવેદન જારી કરવાની ફરજ પાડી છે. બંને જજોની ટીપ્પણીએ લોકોને ચોંકાવી દીધા છે. આ ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો ભાગ નથી. દેશના ઘણા રાજયોમાં નોંધાયેલા કેસોને એકીકૃત કરાવવાનો વ્યક્તિનો કાનૂની અધિકાર છે.'
આ સિવાય જમ્મુ-કાશ્મીરના એક સંગઠન ‘ફોરમ ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ'એ પણ ચીફ જસ્ટિસને પત્ર લખીને નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની ટીકા કરી છે. ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (તેણી વિરૂદ્ધ એફઆઈઆર ક્લબ કરવા માટે)ની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ૧ જુલાઈના રોજ કેટલાક અવલોકનો કર્યા હતા. જો કે, ઓર્ડરની નકલમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. બાર અને બેન્ચે જસ્ટિસ સૂર્યકાન્તને ટાંકીને કહ્યું, ‘નૂપુર શર્માએ જે રીતે સમગ્ર દેશમાં લાગણી ભડકાવી છે. દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે આ મહિલા જવાબદાર છે. તેઓને કેવી રીતે ઉશ્કેરવામાં આવ્યા તેની ચર્ચા અમે જોઈ. તેણે આખા દેશની માફી માંગવી જોઈએ.
જસ્ટિસ સૂર્યકાંતે નુપુર શર્માને ઠપકો આપતા અન્ય ઘણી ટિપ્પણીઓ પણ કરી અને કહ્યું કે તેણે ટેલિવિઝન પર આવીને સમગ્ર દેશની માફી માંગવી જોઈતી હતી. શાસક પક્ષના પ્રવક્તા હોવાથી તેમની પાસે આવા નિવેદનો કરવાનું લાયસન્સ નથી. જસ્ટિસ સૂર્યકાંતે તેમની ટિપ્પણીમાં ઉદયપુરની ઘટના માટે નુપુર શર્માના નિવેદનને પણ જવાબદાર ગણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઉદયપુરમાં કટ્ટરપંથી ગૌસ મોહમ્મદ અને રિયાઝ અખ્તરીએ દરજી કન્હૈયા લાલનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ટીકાઓનો દોર શરૂ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ન્યાયતંત્રના આવા નિવેદનો કટ્ટરપંથીઓના જુસ્સાને વધારવાના છે.
દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ એસ.એન. ઢીંગરાએ નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની પણ ટીકા કરી હતી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું, ‘મારા મતે આ ટિપ્પણીઓ પોતાનામાં ખૂબ જ બેજવાબદાર છે. સુપ્રીમ કોર્ટને આવી ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી, જેનાથી તેમની પાસેથી ન્યાય મેળવવા આવેલા વ્યક્તિની આખી કારકિર્દી બરબાદ થઈ શકે. અથવા બધી અદાલતોને તેની સામે પૂર્વગ્રહયુક્ત થવા દો. એક રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટે નૂપુર શર્મા પર તેમની વાત સાંભળ્યા વિના આરોપ લગાવી દીધો અને ચુકાદો પણ આપ્યો. ત્યાં ન તો જુબાની હતી, ન તો તપાસ હતી, ન તો તેને પોતાનો ખુલાસો રજૂ કરવાની તક આપવામાં આવી હતી.'
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024