યુપીમાંં મંત્રીપુત્રનું ઘોરકૃત્યઃ પ્રદર્શનકારી ખેડૂતોને કચડી માર્યાઃઆઠનાં મોત, FIR

04-Oct-2021

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના દીકરા અને અન્યોની સામે એફઆઈઆર

લખીમપુર ખીરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ઉપર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રએ કાર ફેરવી દીધી, વિફરેલા લોકોએ મંત્રીના પુત્રની કાર સળગાવી દીધી, ડાઈવરની હત્યા કરી મંત્રી પુત્ર આશિષ જીવ બચાવીને ભાગી છુટ્યો છે.સમાચાર સંસ્થા પીટીઆઈએ યુપી પોલીસના એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર અને અન્ય લોકો સામે લખીમપુર ખીરી હિંસા મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.યુપીમાં એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંતકુમારે કહ્યું છે કે લખીમપુર ખીરી હિંસા મામલે બે એફઆઈઆર નોંધાઈ છે, હજુ વધુ માહિતી આવવાની બાકી છે.વિપક્ષના નેતાઓનો આરોપ છે કે ઘટનાસ્થળે જતા રોકવા માટે તેમની અટકાયત કરવામાં આવી છે.મૃતકોમાં ચાર ખેડૂતો અને ચાર અન્ય લોકો સામેલ છે.

લખીમપુર ખીરી હિંસા મામલે લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણાં પર બેઠેલા યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી લીધી છે.આ ઘટના પછી સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ધમાલ કરી જ્યાર બાદ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને પોલીસના કામમાં બાધા ન નાખવાનું કહ્યું.આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા પ્રોફેસર રામગોપાલ યાદવ અને આશરે 150થી 200 સપા કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હતી.સોમવારની સવારે નવ વાગ્યે અખિલેશ યાદવ લખીમપુર ખીરી જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ પોલીસે તેમને આગળ જવા ન દીધા જ્યાર બાદ તેઓ ઘરે જ ધરણાં પર બેસી ગયા હતા. 

ખેડૂતોની માગ શું છે?

ત્યાં પરિસ્થિતિ તનાવપૂર્ણ છે. રિપોર્ટ મુજબ ઘટનાસ્થળ પર જ ખેડૂતો અને જિલ્લા પ્રશાસન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. આ દરમિયાન લખીમપુર ખીરી હિંસા માટે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીએ ખેડૂતોમાં સામેલ ઉપદ્રવીઓને જવાબદાર ઠેરવ્યા છે.

ત્યારે રાજ્ય સરકારના નિર્દેશ પછી યુપીના એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંત કુમાર અને એસીએસ (કૃષિ) દેવેશ ચતુર્વેદી ખેડૂતો સાથે વાત કરવા માટે લખીમપુર ખીરી પહોંચ્યા હતા.જિલ્લાધિકારી ડૉ અરવિંદકુમાર ચૌરસિયા, એસપી વિજય ઢુલ અને એડીજી આઈજી લક્ષ્મીસિંહ ત્યાં ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે.

લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતોએ આઈજી લખનૌ રેન્જ લક્ષ્મીસિંહ સાથે 45 મિનિટ સુધી બીજા તબક્કાની વાતચીત કરી. જેમાં કમિશનર, જિલ્લાના ડીએમ, એએસપી પણ હાજર હતા.

મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મીસિંહે કહ્યું છે કે જલદી જ આ મામલે કોઈ નિરાકરણ કાઢવામાં આવશે.ખેડૂતોએ તંત્ર સમક્ષ ચાર મોટી માગ રાખી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીને બરખાસ્ત કરવા, તેમના દીકરાની ધરપકડ, પીડિત પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય આપે અને તેમને સરકારી નોકરી આપવાની માગ કરાઈ હતી.

આ ચાર મોટી માગો સિવાય ખેડૂતોએ અન્ય પણ કેટલીક માગણી કરી હતી.તેમણે આ ઘટનાની હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવાની માગ કરી હતી, સાથે જ એસડીએમને બરખાસ્ત કરવાની માગ કરી હતી.બીજી તરફ અજય મિશ્ર ટેનીના દીકરા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પણ માગ કરવામાં આવી હતી.કેન્દ્રીય મંત્રી ટેનીનો દાવો છે કે તેમનો દીકરો ઘટનામાં સામેલ નહોતો, માત્ર તેમની કાર દુર્ઘટનાસ્થળ પર હતી અને આ ઘટનામાં તેમના સમર્થકોનાં પણ મૃત્યુ થયાં છે.

શું છે આખી ઘટના?

આ ઘટના રવિવારે બની જ્યારે લખીમપુર ખીરીમાં નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો પરિયોજનાઓના લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો, બાદમાં તેઓ ગૃહરાજ્યમંત્રી અજયકુમાર મિશ્રના પૈતૃક ગામમાં એક કાર્યક્રમમાં સામેલ થવાના હતા.

આ જાણકારી મળતા ખેડૂતનેતાઓ નાયબ મુખ્ય મંત્રી સામે કાળા વાવટા ફરકાવવા માટે ભેગા થયા હતા.આ દરમિયાન તિકુનિયા કસબામાં ભાજપ સમર્થકોની એક ગાડીથી કેટલાક ખેડૂતોને ઈજા પહોંચી હતી.ત્યારબાદ ગુસ્સે થયેલા ખેડૂતોએ ગાડીને આગ ચાંપી દીધી હતી.સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ અને નાયબ મુખ્ય મંત્રીનો કાર્યક્રમ વચ્ચે જ રોકી દેવાયો હતો.સ્થળ પર તણાવભરી સ્થિતિને જોતા ડીએમ, એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત છે.

તો બીજી તરફ ભારતીય કિસાન યુનિયને આરોપ લગાવ્યો છે કે ત્રણ ખેડૂતોને ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીએ કચડી નાખ્યા હતા.ખેડૂતનેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

તેમણે કહ્યું કે "લખીમપુર ખીરીમાં ઘટેલી ઘટના બહુ દુખદ છે. આ ઘટનાએ સરકારના ક્રૂર અને અલોકતાંત્રિક ચહેરાને ફરી એક વાર ઉજાગર કરી દીધો છે. ખેડૂત આંદોલનને દબાવવા માટે સરકાર કેટલી હદે જઈ શકે છે, એ સરકાર અને સરકારમાં બેસેલા લોકોએ આજે ફરી બતાવી દીધું છે."

Author : Gujaratenews