'આપ'નું ભાજપ સાથે સેટિંગ ડોટ.કોમ, લોકોના પ્રશ્ને અવાજ ઉઠાવવાનો માત્ર ડોળ

03-Oct-2021

સુરત

સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મેળવ્યા બાદ ગુજરાતમાં સરકાર બનાવવા સપના જોતી થયેલી આમ આદમી પાર્ટી લોકોના  પ્રશ્નોના મુદ્દે માત્ર હોબાળો મચાવ્યા બાદ મ્યુનિ.ના ભાજપ શાસકો સાથે સેટીંગ કરી રહી હોય તેવી ચિંત્ર ઉપસ્યું છે. પે એન્ડ પાર્કના બારોબાર કોન્ટ્રાકટ હોય કે શહેરમાં તૂટી ગયેલા રસ્તા મુદ્દે દેખાવ પુરતી હોહા કરી પણ વિરોધ પક્ષ તરીકે નક્કર ભૂમિકા ભજવવાનું ટાળી દીધું હતું.

સુરત મ્યુનિ.ની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસને રીપ્લેસ કરીને ૨૭ બેઠકો મેળવાર આમ આદમી પાર્ટીની નીતિ રીતે ભાજપ સાથે સેટિંગ ડોટ.કોમ જેવી થઇ ગયેલી જોવા મળી રહી છે. કોર્પોરેટર બન્યા બાદ શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના સભ્ય દ્વારા ક્રોસ વોટીંગથી લઇને પે એન્ડ પાર્કનો ટેન્ડર વગર  કોન્ટ્રાકટ આપવામાં સુરત આમ આદમી પાર્ટીની ભૂમિકા ચર્ચાસ્પદ બની છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષે પે એન્ડ પાર્કનો બારોબાર કોન્ટ્રાકટ આપી દીધો તે મુદ્દે આપ દ્વારા વિરોધ કરાયો હતો. હોહા કરાઇ હતી. વધુમાં પે એન્ડ પાર્કને લોકો માટે વિનામૂલ્યે ખૂલ્લો મુકી દેવાની ચીમકી અપાઇ હતી. જોકે, ગણતરીના દિવસોમાં બધું ટાંય ટાંય ફીસ થઇ ગયુ ંહતું.

હાલમાં શહેરમાં તૂટી ગયેલા રસ્તાના મુદ્દે સમગ્ર શહેરના લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો હતો ત્યારે આપના કોર્પોરેટરો, કાર્યકરોએ સોશિયલ મીડિયામાં આક્રમક રીતે વિરોધ પ્રદર્શીત કર્યો. પણ મ્યુનિ.ની સામાન્ય સભામાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિતના સભ્યો બિલાડી બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તૂટેલ રોડ મુદ્દે કોઇ વિરોધ જ કર્યો નહોતો. વિવિધ પ્રશ્ને પ્રજાને ન્યાય અપાવવાને મ્યુનિ.માં વિપક્ષ  આપ ભાજપ શાસકોના ઇશારે ચાલતો હોવાના આક્ષેપો પણ હવે નવા રહ્યા નથી.

લોકોનો આવકાર મળી રહ્યો છે તેવા ગુમાનમાં આપના કોર્પોરેટરોના આંતરીક ઝઘડા પણ બહાર આવી ચુકયા છે. એકબીજા સામે આક્ષેપો કરનારા આપના કોર્પોરેટરો લોકોના સળગતા પ્રશ્નો અંગે મ્યુનિ. નક્કર રજૂઆતો કરીને ન્યાય અપાવવામાં સૂચક રીતે પાંગળા બની રહ્યા છે. 

Author : Gujaratenews