ગુજરાત ગેસે CNG-PNGના ભાવ વધાર્યા, સીએનજીનો ભાવ 1, 2, 3 રૂપિયા નહીં આટલો વધ્યો

02-Nov-2021

પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવથી દાઝેલી પ્રજાને વધુ એક ડામ : સીએનજી પ્રતિ કિલો ભાવ રૂ.૬૫.૭૪ થયોઃ વાહનચાલકો પર દિવાળી પહેલાં આર્થિક બોજ

નવી દિલ્હી, તા.૨: પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવ લોકોને દઝાડી રહ્યાં છે તે ઓછું હોય ત્યાં સીએનજી અને પીએનજીમાં ભાવ વધારાની સ્પર્ધા જામી છે. અદાણી પછી હવે ગુજરાત ગેસે આજે સીએનજીમાં રૂ.પનો અને પીએનજીમાં રૂ.૨.૫૦નો વધારો ઝીંકયો છે. મોંધવારીથી લોકો પહેલેથી જ ત્રસ્ત છે ત્યાં અદાણી અને ગુજરાત ગેસ વચ્ચેની ભાવ વધારાની સ્પર્ધાના કારણે દિવાળી જેવા તહેવાર પર હોળી સર્જાઈ છે.

ગુજરાત ગેસે આજથી એટલે નવેમ્બર માસની ૧લી તારીખથી અમલમાં આવે તે રીતે સીએનજીમાં રૂ.૫નો વધારો કરતા નવો ભાવ રૂ.૬૫.૭૪ પ્રતિ કિલો થયો છે. જયારે ઘર વપરાશના પીએનજીમાં રૂ.૨.૫૦નો વધારો કરતા રૂ.૨૯.૫૯ એસસીએમ થયો છે. જેમાં ૧૫ ટકા વેટ અલગ ગણવાનો.

આ અગાઉ તા.૧૭-૧૦ના રોજ ગુજરાત ગેસે CNGમાં રૂ.૨.૬૮નો અને PNGમાં રૂ.૧.૩૫નો વધારો કર્યો હતો. ત્યારબાદ આ ફરી વખત વધારો ઝીંકયો છે. ગેસ બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની શોર્ટ સપ્લાય ચાલી રહી છે. તેના કારણે ભાવ પર કોઈનું નિયંત્રણ રહ્યું નથી. ૩ ડોલર લેખે મળતો ગેસ હાલમાં ગેસ કંપનીઓને ૩૦ થી ૩૫ ડોલર સુધી ખરીદવાની ફરજ પડી રહી છે. તેની સીધી અસર ભારતમાં ભાવ વધારા સ્વરૂપે પડે છે.

ગુજરાત ગેસે ભાવ વધાર્યો કર્યો તેના કારણે હવે ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલાં અદાણી પણ ભાવ વધારો ઝીંકે તેવી શકયતા છે. અદાણી ગેસ ચૂપચાપ વધારો ઝીંકી દે છે.

 

Author : Gujaratenews