ગઈ કાલે રાત્રે 8 વાગ્યે વ્યારાના રાયકડામાં રહેતા બિલ્ડર નિશિશ મણિલાલ શાહ (ઉં.વ.40)ને કારે ટક્કર મારી હતી. પછી તેમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા અને બિલ્ડરને તલવારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
વ્યારા : વ્યારાના બિલ્ડર નિશિશ શાહની શનિમંદિર ચાર રસ્તા પાસે કારમાં આવેલા ચાર જેટલા હુમલાખોરોએ તલવારના પંદર જેટલા ઉપરછાપરી ઘા મારી હત્યા કરી નાંખી હતી. તેને બચાવવા આવેલા એક તરબુચના વેપારીને પણ તલવારના ઘા મારતા હાલત કટોકટ થઈ જવા પામી હતી. ઉપરાંત અન્ય એક યુવકને તલવાર મરાતા ઇજા પહોંચી હતી તરબુચની વેપારી અને તેની દુકાન પર કામ કરતા યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ ન હતું. પોલીસ તપાસ કરે છે કે બિલ્ડરને કોઇને રૂપિયા આપવાના હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બિલ્ડર વ્યારા સહિત અન્ય રાજ્યમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શુક્રવારે સાંજે વ્યારાના હરિ હરેશ્વર મહાદેવ મંદિર સામે તરબૂચ લેવા ગયા ત્યારે કાર નં GJ-05-JP-2445 ચાલકે ટક્કર માર્યા પછી હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યા કારણ અકબંધ છે. વેપારી ગણેશને સુરત ખસેડાતા હાલત ગંભીર છે. પોલીસને કારનો બમ્પ અને નંબર પ્લેટ મળી છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. હત્યારાઓએ રેકી કરી હોવાની પોલીસને શંકા છે.
તાપી જિલ્લાનાં વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ મનુભાઈ શાહ જેઓ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યાનાં સુમારે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં ત્યાં એક કાર નં.જીજે-5જેપી-2445 નાં ચાલકે જોરથી પોતાની કારથી ટક્કર મારી હતી જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કઈક સમજે એ પહેલાં કારમાં આવેલ ચાર જેટલા ઇસમોએ તલવારો સાથે ઉતરી તલવારોનાં ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતાં તરબૂચ વેચનાર ગણેશ નામનાં ઈસમને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજી તરફ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નિસિશ શાહને લોહીલુહાણ કરી દઈ પોતાની કારમાં નાસી છૂટ્યાં હતા. આ ઘટનામાં કારની ટક્કર એટલી જોરથી મારવામાં આવી હતી કે, જેનું બમ્પર છુટુ પડીને ઘટના સ્થળે રહી ગયું હતું. આટલી મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ બાબતે નગરમાં લોકોને જાણ થતાં લોકટોળા હોસ્પિટલની બહાર ઊમટી પડ્યાં હતા. નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારજનોનાં આક્રંદથી સમગ્ર માહોલમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ બાબતે તાપી પોલીસ દ્વારા આસપાસનાં તમામ વિસ્તારનાં જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરી દેવા માટે જણાવાયું હતું તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
05-Mar-2025