અમરેલીમાં છત્રપાલ વાળાની ધમકી બાદ સુરતમાં અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાએ જાનથી હાથ ધોવાની ધમકી આપી, ફ્રૂટના વેપારી પાસે 4 કરોડ ગુંડા ટેક્સ માગ્યો
17-Jun-2021
સુરત : અમરેલીમાં છત્રપાલ વાળાની ૧૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે ધરપકડ કર્યા બાદ સુરતમાં ખંડણીખોર ગેંગ સક્રિય થઇ છે.
ગુજસીટોકમાં વોન્ટેડ હોવા છતાં પણ પોલીસને હંફાવી રહેલા વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલે શહેરમાં નવા ટપોરીઓની મદદથી નવી ગેંગ ઊભી કરી ગોરાટના પ્રોપર્ટી દલાલને બાનમાં લઇ ચાર કરોડની ખંડણી માગી હતી. રૂપિયા આપવાનો ઇન્કાર કરનાર ફ્રૂટ વેપારીને પેટ ઉપર પિસ્ટલ મૂકી ઠોકી દેવાની ધમકી આપી ચાર કરોડની જી.એસ.ટી.ના નામે ગુંડા ટેક્સની માગણી કરી હતી. બીજા દિવસે આ દલાલે રાંદેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસ દોડતી થઇ હતી અને ગાજીપરા તથા અલ્તાફ પટેલ તથા તેમના નામે ખંડણી માગનાર અડાજણ પાટિયાના અબ્દુલ્લા ડાંગર સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગોરાટના અલનૂર રેસિડેન્સીમાં રહેતા અને ફ્રૂટ તથા પ્રોપર્ટી દલાલીનું કામ કરતા નવાઝ જાફર પોઠિયાવાલા (ઉ.વ. ૩૧)ની પત્નીને બુધવારે રાત્રે બારેક વાગ્યાના અરસામાં દુખાવો થતાં તેની દવા લેવા માટે મિત્ર અસીલ આસિફ ફકીરા સાથે બાઇક ઉપર નીકળ્યો હતો. રાંદેર ચોકસીવાડીના એપોલો ફાર્મસી તરફ આવી રહેલા આ બંનેને ચિસ્તીયા ટાવર પાસે રેપિડ અન ક્રેટા કારમાં આવેલા ટપોરીઓએ આંતરી લીધા હતા.કારમાંથી અડાજણ પાટિયા ગંગાસાગર એપા.માં રહેતા અબ્દુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા માન દરવાજાના ગ્યાસ ઉર્ફે ભૂરા શેખ અને આશિયાના કોમ્પ્લેક્સના
જુબેર સહિતના સાગરીતો સાથે બહાર આવ્યો હતો અને ધમકાવીને આ બંનેને પોતાની સોસાયટીમાં લઇ ગયો હતો. અહીં આ વેપારી પાસે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાના નામે ધમકાવી ચાર કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ વેપારી અને તેના સાથેના મિત્રએ પિસ્ટલ વડે ધમકાવી ચાર કરોડની ખંડણી માગવામાં આવી હતી. પ્રતિકાર કરતાં આ વેપારીના પેટ ઉપર લોડેડ પિસ્ટલ મૂકી ખંડણી કબૂલ કરવા માટે ધમકાવ્યો હતો. બે કલાક સુધી આ વેપારી અને તેના મિત્રને ખંડણી આપવા માટે ધમકી આપી માર મારવામાં આવ્યો હતો. પત્નીની દવા લઇ જવી જરૂરી હોવાની આજીજી વચ્ચે મધરાત્રે પોણા ત્રણ વાગ્યે આ બંનેને મુક્ત કરાયા હતા. બીજા દિવસે બપોરે પણ ખંડણી માટે ફોન ચાલુ રહેતાં આ વેપારી રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચતાં પોલીસને મામલાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો હતો. ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ આ મામલે ગુનો નોંધવાની સાથે ગેંગના ટપોરીઓને પકડવા માટે ટીમ દોડાવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસે ટપોરીઓ ઉપર ગુજસીટોક તો લગાવી દીધી છે, પરંતુ મોટા માથાઓને પકડવાને બદલે તેમના પ્યાદાઓને જ પકડી સંતોષ માનતા તેઓ બેફામ બન્યા છે. અલ્તાફ પટેલ, વિપુલ ગાજીપરા, નાગોરી, લાલુ જાલીમ સહિતના મોટે ભાગના ગેંગ લીડર સુધી પોલીસના હાથ પહોંચી શક્યા નથી.અલ્તાફ પટેલ અને ગાજીપરા તથા ગેંગના સભ્યો ઉપર ગુજસીટોક લાગતાં જ બધા પલાયન થઇ ગયા હતા. જોકે, શહેરમાં હજુ પણ આ ગેંગની હકુમત ચાલી રહી છે. આ ટોળકીએ ગેંગમાં નવા સભ્યો બનાવ્યા છે. જેમાં અબ્દુલ્લા ડાંગરા અને માન દરવાજાના ગ્યાસ ઉર્ફે ભૂરા સહિતના ટપોરીઓની ભી કરવામાં આવી છે. અબ્દુલ્લાએ જાન્યુઆરી મહિનામાં વરાછામાં પણ ખંડણી માગી હતી. જે મામલે તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો. ખંડણીનો ગુનો નોંધવાની સાથે જ રાંદેર પોલીસે અબ્દુલ્લાને ઊંચકી લીધો હતો.હસનજી ફ્રૂટના નામે રાંદેરમાં દુકાન ધરાવતા અને સાથે પ્રોપર્ટીની દલાલી કરતાં નવાઝ જાફરે પોતાની બધી પ્રોપર્ટી વેચી દીધી હતી. નવી પ્રોપર્ટી લેવા માગતા આ વેપારીને જૂની પ્રોપર્ટી વેચીને સાડા ત્રણ કરોડની માતબર રકમ મળી હતી. ગાજીપરા ગેંગને આ વાતની કોઇ પણ રીતે બાતમી મળતાં તેમણે રાત્રે નવાઝને ઉઠાવ્યો હતો. આ ટપોરીઓને પોતાની પાસે રૂપિયા હોવાની વાતની કેવી રીતે ખબર પડી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024