સુરતના વેલંજાના લાઇફલાઈન સમાન મોટા વરાછા-ગોથાણ રોડ પર નડતરરૂપ જીઇબીના થાંભલા દુર કરવા કાર્યકરો પહોંચ્યા

14-May-2021

મોટા વરાછા-ગોથાણ દુખિયાના દરબાર મંદિર રોડ પર રસ્તાની કામગીરીમાં નડતરરુપ જીઇબીના થાંભલા હટાવવાની સૂચના આપતા ધારાસભ્ય મુકેશ પટેલ અને તેમની ટીમ.

સુરત :સુરતના વેલંજાના લાઇફલાઈન સમાન મોટા વરાછા-ગોથાણ રોડ પર નડતરરૂપ જીઇબીના થાંભલા દુર કરવા કાર્યકરો પહોંચ્યા છે. આ સાથે ધારાસભ્ય અને તેમની ટીમ પણ કામગીરીના સ્થળની મુલાકાતે પહોંચી જીઈબીના અધિકારીઓની હાજરીમાં કામગીરી શરૂ કરાવી છે.

વેલંજા અને ઉમરા વિસ્તાર ન્યૂ વરાછા તરીકે લોકોમાં જાણીતો બન્યો છે. ત્યારે આ વિસ્તારમાં સતત સુધારાલક્ષી કામો સુરતમાં સૌથી વધુ ચર્ચામાં છે. હાલ પાલિકાએ મોટા વરાછા-ગોથાણ રોડ પર 3.5 મીટરનો રસ્તો 7.50 મીટરનો કરવાનું કામ શરૂ કર્યું છે. ઉપરાંત આ જ રસ્તા પર કેનાલ પાસે આવેલું રેલવે ગરનાળું પણ ધારાસભ્યો અને સ્થાનિક કાર્યકરોની મહેનતને કારણથી સાંસદ અને પાલિકા કમિશનરની મુલાકાત બાદ ફોરલેન કરવા મંજૂર કરાયું છે. ઉપરાંત આઉટર રિંગરોડની કનેક્ટિવિટી પણ આ જ રોડ પરથી મળતી હોવાથી આગામી દિવસોમાં મોટા વરાછાથી માત્ર પાંચ કિમીના અંતરે આવેલા ઉમરા તેમજ આજુબાજુના વિસ્તાર વેલંજા, શેખપુર અને ગોથાણ જેવા ગામોનો વિકાસ પણ આસમાને પહોંચનારો છે. ઉપરાંત આગામી દિવસોમાં ગોથાણમાં નવા બનનારા રેલવે યાર્ડને કારણે સૌથી વધુ ટ્રેન પણ આ જ સ્ટોપેજ પર થોભનારી છે. એટલું જ નહીં, હાલમાં નવી પારડી- હજીરા હાઇવે સિક્સ લેન કરવાનું પણ કામ શરૂ હોવાથી સુવિધામાં વધારો થયો છે.

એક પછી એક વિકાસકામો હાથ પર લેવાતા પાલિકાના નવા સમાવિષ્ટ વિસ્તાર ઉમરા, ગોથાણ, વેલંજા અને શેખપુર જેવા એક સમયના દુરના ગામડાઓ પણ સુરતની તદ્દન નજીક આવી ગયાનું લોકો અનુભવી રહ્યા છે. હાલ વેલંજા અને ઉમરાની 50થી વધુ સોસાયટી અને કોમ્પ્લેક્સમાં બે લાખની વસ્તી વસી રહી છે. જે પાટીદારોના નવા ગઢ તરીકે પણ માનવામાં આવે છે.

શું છે આ વિસ્તારની સોસાયટીઓની વિશેષતા
મોટા વરાછાની સરખામણી કરતા ઉમરા, વેલંજા સહિતના વિસ્તારોની સોસાયટીઓમાં મુખ્ય અને આંતરિક રસ્તા પહોળા, પાર્કિંગની સુવિધા સહિતની સુવિધાઓ બિલ્ડરો દ્વારા જ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત નજીકમાં નવી પારડી-હજીરા હાઇવે ટચ થતો હોવાથી સુરત આવવાની સીધી કનેક્ટિવિટી મળી રહી છે. પીવાનું પાણી પણ અન્ય વિસ્તારોની સરખામણીમાં પીવાલાયક મળતું હોવાથી લોકો વધુને વધુ આ વિસ્તારમાં રહેવા આવી રહ્યા છે. ઉપરાંત કુદરતી વાતાવરણમાં રહેવા માટે આ વિસ્તાર સુરતનો મોસ્ટ પોપ્યુલર બની ગયો છે. સુરત સિટીમાં ટ્રાફિકને કારણે લોકો પણ આ વિસ્તાર પર લોકો પસંદગી ઉતારી રહ્યા છે. 

આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા ગૌરાંગ ગજેરાની માંગણી
ઉમરા-વેલંજા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની સૌથી વધુ જરૂરિયાત છે. હાલના સમયે વિસ્તારનો વિકાસ વધી રહ્યો છે તેમ લોકો પણ વધુમાં વધુ રહેવા માટે આવે છે. આ વિસ્તારમાં પાલિકાનું એક પણ આરોગ્ય કેન્દ્ર ન હોવાથી નવું બનાવી શરૂ કરવા અમારી માંગણી છે. -ગૌરાંગ ગજેરા, સ્થાનિક

Author : Gujaratenews