સુરતના વાડી ફળિયામાં ચાર માળનું મકાન બેસી ગયું, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે, ત્રણ લોકો દબાયા, 13 વર્ષના બાળકને કાટમાળ નીચેથી બહાર કઢાયો
20-Jun-2021
સુરત : વરસાદને કારણે સુરતના વાડી ફળિયામાં ચાર માળનું એક જર્જરિત મકાન બેસી જતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. મકાન બેસી જવાને કારણે આજુબાજુના મકાન ધારકોમાં ગભરાટ ફેલાયો છે. આ મકાનમાં ઉપરના માળે કેટલાક લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.જોકે ફાયરે વિસ્તારને કોર્ડન કરીને લોકોને દૂર રહેવા અપીલ કરી છે. પાલિકાએ આજુબાજુના મકાન ખાલી કરાવવા તજવીજ હાથ ધરી છે.
વાડી ફળિયા ગોલવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશય થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.એકાએક જ ત્રણથી ચાર માળ ઊંચું મકાન ધરાશાયી થઇ જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મકાન ધરાશાયી થતાંની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી કોઇ ફસાયું છે કે કેમ તેની તપાસ કરીને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને ઇજા થયા હોવાનું જાણવા મળ્યું છે. મકાન ધરાશાયી થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ દૂર કરવાનું શરૂ કર્યું હતું જેમાં ૧૩ વર્ષનો દેવ મનોજ રાણા નામના બાળક કાટમાળ નીચે ફસાયો હતો તેને ફાયર વિભાગની મદદથી બહાર કાઢીને આશુતોષ હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલીક અસરથી ખસેડવામાં આવ્યો છે.
અત્યારે મળતી માહિતી પ્રમાણે તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બે લોકોને સામાન્ય ઇજા થઇ છે. ઘટનાની જાણ થતાં જ ઘાંચી શેરી નવસારી બજાર અને મુગલીસરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ની કામગીરી શરૂ કરી હતી. ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટના સતત બનતી હોવાને કારણે સુરત કોર્પોરેશન દ્વારા ચોમાસુ શરૂ થતાની સાથે જ જર્જરિત મકાન કે ઇમારતો હોય છે. તેમને નોટિસ પાઠવવાનું શરુ કરી દેવામાં આવે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ ફટકારીને પોતાની કામગીરી પૂર્ણ કરી દેવાનો સંતોષ માની લેવામાં આવતો હોય છે. તેને કારણે જર્જરિત મકાન ધરાશાયી થવાથી ઘણી વખત લોકોના જીવ ગુમાવવાનો વખત આવે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024