ઉનાના સાજણ નગરની વિચિત્ર ઘટના : ગેમ રમતા-રમતા ધોરણ 11ના વિદ્યાર્થીએ મહિલાના કપડા પહેરીને આપઘાત કરી લીધો

16-Aug-2021

Gir somnath: મોબાઇલ વગર પણ પહેલા દુનિયા ચાલતી હતી. અને, મોબાઇલ વગર માણસો પહેલા સારું જીવન જીવતા હતા. પરંતુ, આજકાલના બાળકો અને યુવાનોમાં મોબાઇલનું ઘેલું લાગ્યું છે જે કયારેક જોખમી બને છે. આવું જ કંઇક બન્યું છે ગીરસોમનાથ જિલ્લામાં. વાત છે ઉનાના સાજણનગર ગામની. સાજણનગર ગામમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા સગીરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો. અને તેનો મૃતદેહ યુવતીના કપડા પહેરેલી હાલતમાં મળ્યો.

આજની મોબાઇલની દુનિયામાં એવાએવા બનાવો સામે આવતા રહે છે કે સૌએ ચેતીને રહેવાની જરૂર છે. મોબાઇલ આજે માનવીની જરૂરિયાત કરતા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ, એ ભુલવું ન જોઇએ કે મોબાઇલ એક આધુનિક સાધન છે. તે આપણા જીવનનું અનિવાર્ય અંગ નથી.આપનું બાળક મોબાઇલ ગેમના રવાડે ચઢ્યું હોય તો ચેતી જજો. કારણ કે બાળકનો આ શોખ તેના જીવ માટે જોખમી સાબિત થઇ શકે છે. ગીરસોમનાથના ઉનામાં કંઇક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઇલ ગેમના રવાડે ચઢેલા એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

વાત છે ઉનાના સાજણનગર ગામની. સાજણનગર ગામમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા સગીરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો. અને તેનો મૃતદેહ યુવતીના કપડા પહેરેલી હાલતમાં મળ્યો.પરિવારે તપાસ કરી તો માલૂમ પડ્યું કે સગીર મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. અને ગેમના સ્ટેજ મુજબ તેણે યુવતીનો પહેરવેશ ધારણ કર્યો હતો.

પરિજનોનો આશંકા છે કે મોબાઇલ ગેમે જ તેનો ભોગ લીધો હોઇ શકે છે. જોકે એકનો એક વ્હાલસોયો ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું. ત્યારે પરિજનોએ યોગ્ય તપાસની માગ કરી છે. તો પોલીસે પણ ગુનો નોંધી સગીરના મોતનું સાચુ કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યના અન્ય શહેરોમાં મોબાઇલના રવાડે ચઢીને મોતને વ્હાલ કરવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ભાગદોડ ભરેલી જીંદગી અને આધુનિકતાના વાયરામાં વહી રહેલા વાલીઓએ પોતાના બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે. અન્યથા ગેમનું સ્ટેજ પાર કરવાના ચક્કરમાં બાળકો મોતનું સ્ટેજ પાર કરતા રહેશે. અને વાલીઓએ પોતાના વ્હાલસોયા ગુમાવવા પડશે.

અહીં કહેવું રહ્યું કે મોબાઇલનો ઉપયોગ કેટલો છે તે હવે સમજી જવાની જરૂર છે. કારણ કે વધારે પડતો મોબાઇલનો ઉપયોગ તમારી માનસિક સ્થિતિને અસંતુલીત કરી શકે છે. અને, તમે જાણે અજાણ્યે અવિચારી પગલું ભરી તમારા પરિવારને મુશ્કેલીમાં મુકી શકો છો.

Author : Gujaratenews