સુરતમાં ટોસિલિઝુમેબનો 2.70 લાખમાં સોદો કરવામાં ટ્રાયસ્ટારની નર્સ, પિતા અને મદદગારી કરનાર સામે ગુનો

09-May-2021

ફાઇલ તસવીર : હેતલ કથીરિયા

સુરત : સુરતમાં ટ્રાયસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથીરીયા અને તેના પિતા રસિક કથીરીયા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રૂપિયા 2.70 લાખમાં વેચવા જતાં પોલીસના છટકામાં રંગેહાથ પકડાયા હતા. 35 હજારની કિંમતનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ગોપીપુરાના વ્રજેશે 85 હજારમાં આપી પિતાએ પુત્રીના ઈશારે 2.70 લાખમાં સોદો કરી 1.85 લાખનો નફો લેવામાં ભેરવાયા ગયા હતા તેમજ ટ્રાયસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથીરીયા અને વ્રજેશ મહેતાને પોલીસ પકડી લાવી હતી, કોવિડનો રિપોર્ટ આવ્યા પછી હવે ધરપકડની કાર્યવાહી કરાશે, આ સમગ્ર ઘટનામાં રેકેટનો પર્દાફાશ કરતો એક વીડિયો પણ લેવામાં આવ્યો હતો.  જોકે, પિતાની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે 3 સામે કોરોના મહામારી એક્ટ હેઠળની ગંભીર કલમો લગાડી હતી અને વ્રજેશ મહેતા જે ઇન્જેક્શન લાવી આપનાર હતો તેને અડાજણમાંથી એસોજીએ ઝડપી લીધો હતો. સુરતના સ્થાનિક અખબાર દ્વારા પોલીસને સાથે રાખીને આ વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે કુલ છ જેટલા ઇન્જેક્શનનો સોદો કરાયો હોવાની વાત છે. એસઓજીની ટીમને વ્રજેશ મહેતાએ 3 થી 4 કલાક ફેરવ્યા ત્યારે પકડમાં આવ્યો હતો. માતા-પિતા પોઝિટિવ હોવાથી મહિના પહેલા ઇન્જેક્શન લાવી ફ્રીઝમાં રાખી મુક્યું હોવાનું રટણ વ્રજેશની પુછપરછમાં સામે આવ્યું છે. ઉપરાંત ટ્રાયસ્ટાર હોસ્પિટલની નર્સ હોસ્પિટલમાં આવતા પેશન્ટમાંથી ગ્રાહકો શોધી સોદો કરતી અને તેના પિતા રસિક રતનદીપ હોસ્પિટલના કર્મચારી વ્રજેશ પાસેથી ઇન્જેક્શન લાવી પાર્ટીને બોલાવી સોદાને છેલ્લુ રૂપ આપતા હતા. આ પ્રકરણમાં સીપી અજય તોમરે કહ્યું હતું કાળાબજારી કરનારા કોઇને પણ છોડાશે નહીં. દરેકની સામે પગલાં લેવાશે. 

આ કેસમાં મોટા તબીબોની સંડોવણી બહાર આવી શકે

પોલીસ જો આ કેસમાં ત્રણેયના કોલ ડિટેઇલની તપાસ કરે તો સુરતના જાણીતા તબીબોની સંડોવણી ખુલી શકે. હાલ કોરોનાની મહામારીમાં મોટા તબીબોના ઇશારે આખો ખેલ થઈ રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. સુરતની હોસ્પિટલોમાં રોગની પાછળ પેશન્ટને લૂંટવાનો ઇતિહાસ જાણીતો જ છે. કેટલીક હોસ્પિટલમાં તબીબો જેવા દાખલ થાય એટલે કેમેરાથી પણ દર્દી કેવી કક્ષાનો છે તે જાણીને તેની પાસેથી મસમોટા બિલો ફટકારી દેવામાં આવે છે. શહેરમાં રીતસર મોટી હોસ્પિટલમાં લોકો લૂંટાઈ રહ્યા હોવાનો દરેકને અનુભવ થઈ રહ્યો છે. 

 

ખાલી બોટલ, ઢાંકણ અને બોક્ષ પાછું લેવા પાછળનો ડુપ્લીકેટ ઇન્જેકશનો પેશન્ટને આપતા હોવાની આશંકા
ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા પહેલા એવી કહ્યું કે એક કલાકમાં ખાલી બોટલ, ઉપરનું બોક્ષ અને ઢાંકણ પાછું આપી દેવાનું રહેશે, કેમ કે આ ત્રણેય વસ્તુઓ પાછી જયાંથી ઇન્જેક્શન લાવ્યા ત્યાં જમા કરાવવાની હોય છે. ત્યાર પછી ઇન્જેક્શન આપવા તેના પિતા આવ્યો હતો. પિતાએ 2.70 લાખની રકમ લીધા પછી એક કલાક હોસ્ટિપલની બહાર ઊભો રહેવાની વાત કરી ઇન્જેકશનની ખાલી બોટલ, ઢાંકણ અને બોક્ષ લઈ જવાનો હતો. ખાલી બોટલ, ઢાંકણ અને બોક્ષ પાછું લેવા પાછળનો આ ટોળકીનો ઈરાદો ડુપ્લીકેટ ઇન્જેકશનો પેશન્ટને આપતા હોવાની આશંકા લાગી રહી છે. ખરેખર આ ઇન્જેક્શનનું જે રીતે પૅકિંગ કરાયું તેના પરથી ડુપ્લીકેટ હોય એવુ લાગી રહ્યું છે. ઉમરા પોલીસે ઇન્જેક્શન ડુપ્લીકેટ છે કે કેમ તે તપાસ કરવા માટે એફએસએલમાં મોકલશે.

Author : Gujaratenews