તક્ષશિલા અગ્નિકાંડમાં 2 વર્ષે ચાર્જ ફ્રેમ: બિલ્ડર,મનપાના અધિકારી સહિત ૧૩ આરોપીઓ સામે તહોમતનામુ ઘડાયું

21-Jun-2021

 પ્રતિકાત્મક તસવીર.

સુરત, :તક્ષશીલા આગની ઘટનામાં મનપા, ફાયર વિભાગ, બિલ્ડર, ટ્યુશન સંચાલક સહિત કુલ ૧૩ આરોપીઓ સામે આજે ચાર્જ ફ્રેમ થયો હતો. ૨૨ માસુમ વિદ્યાર્થીઓના મોત માટે જવાબદાર તક્ષશીલામાં ગેરકાયદેસર ડોમ બનાવનાર બિલ્ડર તેમજ ફરજ દરમિયાન તકેદારી નહીં રાખનાર મનપાના અધિકારીઓ સહિત કુલ ૧૩ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરાયો છે. આ કેસની વધુ સુનાવણી આગામી ૫મી જુલાઇએ હાથ ધરાશે.

તક્ષશીલા આગ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે ઇપીકો કલમ ૩૦૪, ૩૦૮ (સદોષમાનવ વધ)નો ગુનો નોંધ્યો હતો. આ કેસના આરોપીમાં ફાયર ઓફીસર કિર્તી મોઢ, સંજય આચાર્ય, તથા બિલ્ડર સવજી પાઘડાળ, હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર મનપાના કાર્યપાલક ઇજનેર પરાગ ડી.મુન્શી, કાર્યપાલક ઇજનેર જયેશ સોલંકી, ઇજનેર હિમાંશુ ગજ્જર અને ડીજીવીસીએલના દિપક નાયક સહિત ૧૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ ચકચારીત કેસની કોર્ટકાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સ્પેશ્યલ સરકારી વકીલ પ્રફુલસિંહ એન.પરમાર આ કેસમાં જોડાયા હતા. મુળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકીયા આ કેસમાં કોર્ટ કાર્યવાહીમાં જોડાયા છે. દરમિયાન આજે આ કેસમાં આજે કુલ ૧૩ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરાઇ હતી.

આ કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ પ્રફુલ એન.પરમારે આરોપીઓએ જે તકેદારી લેવી જોઇએ તે લીધી નથી. જેતી તક્ષશીલા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર બાંધકામ થતું હતા ત્યારે કેટલાક આરોપીઓ સુરત મહાનગર પાલિકામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ ફરજ દરમિયાન જે તકેદારી લેવી જોઈં તે લીધી ન હતી. જેથી બાંધકામ જોખમકારક હોવાથી જ્યારે તક્ષશીલામાં આગ લાગી ત્યારે ૨૨ વિદ્યાર્થીઓ દાઝી જવાથી-ગુંગળાય જવાથી તેમજ જીવ બચાવવા કુદી પડતા મોત થયું હતું. જ્યારે આ બનાવમાં ૧૮ જણાને ગંભીર ઇજા થઇ હતી.

 

  • કોની કોની વિરુદ્ધ ચાર્જ ફ્રેમ થયો
  • ભાર્ગવ મનસુખ બુટાણી,
  • ડેપ્યુટી ઇજનેર હિમાંશુ હસમુખલાલ ગજ્જર,
  • દિનેશ કાનજી વેકરીયા,
  • જિગ્નલ ઉર્ફે જિગ્નેશ પાઘડાળ,
  • કિર્તીકુમાર જીતુ મોડ,
  • સંજયકુમાર લક્ષ્મીનારાયણ આચાર્ય,
  • વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર જયેશ રમણલાલ સોલંકી,
  • દિપક ઇશ્વરલાલ નાયક,
  • સવજી ટપુ પાઘડાળ,
  • હરસુખ કાનજી વેકરીયા,
  • રવિન્દ્ર કહાર,
  • વિનુ કરશન પરમાર,
  • પરાગ દેવેન્દ્ર મુન્શી.
Author : Gujaratenews