13 કિમિની ઝડપે વધી રહ્યું છે આગળ, ગણતરીનાં કલાકમાં ગંભીર રૂપ લેવાની શક્યતા, જુઓ હાલમાં વાવાઝોડુ

16-May-2021

ગુજરાતના દરિયાકાંઠે ‘ટૌકતે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘ટૌકતે’ વાવાઝોડું હાલમાં વેરાવળથી 880 કિલોમીટર દૂર છે અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ‘ટૌકતે વાવાઝોડું થોડા જ કલાકોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે.

17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

 

 વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

NDRFની 2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર, 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર,2 ટીમ દેવભૂમિ દ્રારકા, 2 ટીમ જામનગર, 2 ટીમ રાજકોટ અને 2 ટીમ કચ્છ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચક્રવાત તાઉતેના સંકટથી બચવા તંત્ર દોડતું થયું છે. હવામન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં આવનારા બે દિવસમાં જોરદાર વરસાદ પડી શકે છે, તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઈસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

 

Author : Gujaratenews