સુરત પર છવાયા વરસાદી વાદળો, 28 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

15-May-2021

શનિવારે બપોરે 3 વાગ્યાના સ્થિતિ પ્રમાણે ગુગલ વેધર દ્વારા ખાસ કરીને સુરતમાં મોસ્ટલી કલાઉડનું સ્ટેટસ અપાયું છે. એટલે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની ભારે આગાહી વ્યક્ત કરી દેવાઈ છે. હવામાં ભેજનું પ્રમાણ 52 ટકા થવાથી બફારો વધ્યો છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે વાવાઝોડાને લઈને ચેતવણી આપતા જણાવ્યું છે કે લક્ષદ્વિપ ક્ષેત્રમાં દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં તબદીલ થઈ જશે. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. Taukate નામનું આ વાવાઝોડું કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠા વિસ્તારમાં ત્રાટકશે. વાવાઝોડાના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. છેલ્લા 21 વર્ષમાં પહેલીવાર મે મહિનામાં વાવાઝોડું ગુજરાત કાંઠે પહોંચશે તેવી સંભાવના છે.

અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે સક્રિય થયેલું લો પ્રેશર 24 કલાકમાં ચક્રવાતમાં ફેરવાશે. આ ચક્રવાતને પગકે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આગામી તારીખ 16 થી 18 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ ત્રણ દિવસોમાં 11 થી 28 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

કલેકટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. શેરડી, ઉનાળુ ડાંગર, મગ સાથે કેરીને નુકશાન થવાની સંભાવના છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાને લીધે સુરતનું આજે તાપમાન ઓછું નોંધાયું હતું. મહત્તમ તાપમાન 35 ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું હતું. પવન ફૂંકાતા શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.

Author : Gujaratenews