જસ્ટિસ ફોર સુપ્રિયા, અમદાવાદથી ભોપાલ જવા નિકળેલી 23 વર્ષની યુવતીની ક્યાંથી મળી લાશ? સ્ટોપેજ ના હોવા છતાં ક્યાં ઉભી રહી હતી ટ્રેન?

20-May-2021

સુપ્રિયાની ફાઇલ તસવીર

ભોપાલઃ  સોશિયલ મીડિયા ટ્વીટર પર અચાનક જ ટ્રોપ ટ્રેન્ડમાં #Justice For Supriya છે. સુપ્રિયાને ન્યાય અપાવવા માટે તેની બહેને સીએમ શિવરજને ચિઠ્ઠી લખી છે. ઉપરાંત લોકોએ પણ રેલ મંત્રી પીયૂષ ગોયલને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. કેટલાક લોકો સીબીઆઈ તપાસની પણ માંગ કરી રહ્યા છે. સુપ્રિયા કોણ છે અને શા માટે લોકો ન્યાય માંગી રહ્યા છે તથા સમગ્ર મુદ્દો શુ છે તે જાણીએ.

3 માર્ચે લીમખેડાના ગોરીયા રેલ્વે ગરનાળા પાસેથી અજાણી છોકરીનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતાં મૃતદેહ સુપ્રિયા તિવારીનો હોવાનું માલુમ પડતાં તેના પરીવારજનો લીમખેડા દોડી આવ્યા હતા. સુપ્રિયાના મૃતદેહ પાસેથી પહેરેલા દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે સુપ્રિયાના મૃતદેહનું પીએમ કરવા મોકલી આપ્યો હતો પણ હજુ સુધી તેના મોતનું રહસ્ય ઉકેલાયું નથી.

 

મધ્યપ્રદેશના અનુપપુરની  23 વર્ષીય સુપ્રિયા તિવારી ફેબ્રુઆરીમાં કચ્છમા રહેતી  પોતાની બહેનના ઘરે આવી હતી. 15 દિવસ રહ્યા બાદ 2 માર્ચ, 2021ના રોજ સુપ્રિયા તિવારી અમદાવાદથી સોમનાથ જબલપુર ટ્રેનના કોચ નંબર બી/1માં સીટ નંબર 33 પર બેસીને ભોપાલ જવા નિકળી હતી. 2 માર્ચે  રાત્રે 9.37 કલાકે સુપ્રિયા સાથે છેલ્લી વાત થયા બાદ સુપ્રિયાનો કોઇ સંપર્ક થયો ન હતો.

 

સુપ્રિયાના પરિવારે વારંવાર સંપર્ક કર્યો ને સુપ્રિયા ભોપાલ ના પહોંચતાં તેના પરિવારે તપાસ કરી હતી. સોમનાથ જબલપુર ટ્રેનનું સ્ટોપેજ ગોધરા રેલ્વે સ્ટેશન ન હોવા છતાં ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી અને એ પછી તેનો સંપર્ક ના થતાં  સુપ્રિયા તિવારી રાત્રે 9.37 મીનીટ બાદ ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી ટ્રેનમાંથી ગુમ થઇ હોવાની ફરીયાદ સુ્પ્રિયાના બનેવી રાજેશકુમાર ત્રિવેદીએ નોંધાવી હતી.

Author : Gujaratenews