તેલિયારાજાઓની મનમાની, સનફ્લાવર તેલના ભાવ એક વર્ષમાં બમણા વધ્યા

21-May-2021

સુરત : રાજ્યમાં તેલના ડબ્બાઓના ભાવ એક વર્ષમાં બમણા થવા આવ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને નોકરિયાતોના ખિસ્સા પર વધુ ભાર આવી રહ્યો છે. સિંગતેલ, કપાસિયા, સન ફ્લાવર સહિતના તેલના ભાવ આજથી 8 મહિના પહેલા 1200થી લઈને 2500 રૂપિયા હતા. તે હવે 2800થી 3500 સુધી પહોંચી ગયા છે. ગુલાબ બ્રાન્ડ હેઠળનું સનફ્લાવર તેલ પ્રતિ ડબ્બે (15 લિટર) 1250 રૂપિયામાં બજારમાં મળતુ હતું. તે હવે 2800 સુધી બજારમાં મળી રહ્યું છે.

જોકે, મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવમા ંમથકો પાછળ ઘટાડો આગળ વધ્યો હતો. વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ પણ આજે વિશ્વબજાર પાછળ દબાણ હેઠળ રહ્યા હતા. વાયદા બજારમાં પણ આજે ખાસ્સી પીછેહટ જોવા મળી હતી. સોયાબીન તથા મસ્ટર્ડ સીડના વાયદાઓ ગબડતાં આજે મંદીની સર્કીટ અમલી બન્યાના નિર્દેશો હતા. 

દરમિયાન, સરકારી પગલા આવવાની ભીતી વચ્ચે બજારમાં આજે અંદર ખાને ગભરાટ ચાલુ રહ્યો હતો તથા નવી માગ પણ પાંખી રહી હતી. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૮૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ તૂટી રૂ.૧૪૮૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૬૦ બોલાતા હતા.

ઉત્પાદક મથકોએ આજે કોટન વોશ્ડના  ભાવ ઘટી રૂ.૧૪૨૦થી ૧૪૩૦ રહ્યા હતા જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧૫૨૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૪૪૦થી ૨૪૫૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે આયાતી પામતેલના ભાવ ઘટી રૂ.૧૩૪૫ રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ તૂટી રૂ.૧૨૪૫ બોલાયા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ ગબડતાં વિવિધ ડિલીવરીના ભાવ ૧૯૯, ૨૧૩, ૧૯૩ તથા ૧૭૪ પોઈન્ટ તૂટયાના સમાચાર હતા જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે વિવિધ ડિલીવરીમાં ૨૦થી ૩૦ ડોલર ગબડયા હતા. નવી માગ ધીમી હતી.

ઈન્ડોનેશિયા દ્વાર પામતેલની નિકાસ પરના ટેક્સમાં કદાચ ટનદીઠ ૧૦૦ ડોલરનો ઘટાડો કરવામાં આવશે એવી શક્યતા આજે વિશ્વબજારમાં ચર્ચાઈ રહી હતી અને તેની અસર પણ વિશ્વબજારમાં ભાવ પર જોવા મળી હતી.

જોકે મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં આશરે ૧૭થી ૧૮ ટકા વધી હોવાનું આઈટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. કંડલા - મુંદ્રા બંદરોએ ૬થી ૭ દિવસમાં આશરે ૫૦ હજાર ટન સોયાતેલ આવશે એવી શક્યતા આજે ઘરઆંગણાના બજારમાં ચર્ચાઈ રહી હતી. 

દરમિયાન, આર્જેન્ટીનાના બંદરોએ કામદારોની હડતાળ પડયાના સમાચાર આજે દરીયાપારથી આવ્યા હતા. ચીન- તીબેટમાં બર્ડ ફલુનો ઉપદ્રવ વધ્યાના સમાચાર હતા. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૨૨૦ પોઈન્ટ ઘટયા હતા. ત્યાં સોયાબીન તથા સોયાખોળના ભાવમાં ઓવરનાઈટ ઘટાડો જોવા મળ્યો હતો. જર્મનીમાં રાયડાનું વાવેતર વધ્યું છે.

યુરોપમાં વાવેતર તથા પેદાશ વધતાં વિવિધ તેલીબિયાંનો પાક ૪થી ૫ ટકા વધુ આવવાની શક્યતા આજે વિશ્વબજારના જાકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે આજે વાયદા બજારમાં સીપીઓના ભાવ રૂ.૧૨ તૂટી રૂ.૧૧૯૬.૨૦  રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૨૧ ઘટી રૂ.૧૩૮૬.૫૦ રહ્યા હતા. એરંડા વાયદામાં આજે જૂનના ભાવ રૂ.૫૬ ઘટી રૂ.૫૧૨૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૦ ઘટી રૂ.૫૪૬૦ રહ્યા હતા જ્યારે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.૨ ઘટી જાતવાર ભાવ રૂ.૧૧૧૨થી ૧૧૩૨ રહ્યા હતા. 

મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ સોયાખોળના વધુ રૂ.૨૦૦ ઘટયા હતા. દરીયાપારની નવી માગ ધીમી પડી હતી. એરંડા ખોળના ભાવ જોકે રૂ.૨૦૦  વધી આવ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૧૪૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૬૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૬૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૬૭૦ રહ્યા હતા. 

 

Author : Gujaratenews