મારી ઉંમર ૬૩ વર્ષની છે અને હું એન્જિનિયર છું. હવે રિટાયર છું. નિવૃત્તિ બાદ મેં મારું વાંચન વિકસાવવાનું કામ કર્યું છે. થોડા સમય પહેલાં મેં ઑનલાઇન વાત્સ્યાયને લખેલું ‘કામસૂત્ર’ મગાવ્યું. એ વાંચતાં મને લાગ્યું કે એમાંનાં ઘણાં આસનો એવાં છે જેનો તો જીવનભર ઉપયોગ જ કર્યો નહીં. શું હું એ આસનોનો ઉપયોગ આ ઉંમરે કરું તો કોઈ પ્રૉબ્લેમ થાય ખરો? મારો બીજો પ્રશ્ન એ છે કે વાત્સ્યાયને ‘કામસૂત્ર’ના એક વિભાગમાં સંભોગ સંબંધિત અમુક ઉપચારો દર્શાવ્યા છે. એ ઉપચારો તમારી દૃષ્ટિએ કારગત છે ખરા? - અંધેરીના રહેવાસી
આજે મોટા ભાગના લોકો એક જ પ્રકારના આસન સાથે આખી જિંદગી કાઢી નાખે છે. સ્ત્રી નીચે અને પુરુષ ઉપર એવી અવસ્થાનું આ આસન આપણે ત્યાં બહુ પૉપ્યુલર છે. કહો કે એ એક જ આસન હોય એવું સૌ કોઈના મનમાં ઘૂસી ગયું છે, જેની પાછળ પુરુષોના સ્ત્રી પરના આધિપત્યનો ભાવ જવાબદાર છે. બીજાં આસનોનો ઉપયોગ થવો જ જોઈએ, જે આંનદ અને ખુશીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સક્ષમ છે. તમે પૂછો છો કે આ ઉંમરે એ આસનોનો ઉપયોગ કરી શકાય કે નહીં? કરી શકાય, પણ બે વાતની કાળજી અને તૈયારી સાથે.
એક, તમારી વાઇફને એ આસનો સામે વિરોધ ન હોય. પત્નીને વિશ્વાસમાં લઈ, સમજાવીને એ આસનોને વ્યવહારમાં લેવાં જોઈએ. બીજી વાત, તમારી ઉંમર. વાત્સ્યાયને દર્શાવેલાં એ આસનોમાં કેટલાંક આસન જિમ્નેસ્ટિક સ્તરનું અંગપ્રદર્શન પણ માગી લે છે. તમારે તમારા શરીરની લચક અને વજનને પણ ધ્યાનમાં લેવાં હિતાવહ છે.
તમારો બીજો પ્રશ્ન છે કે વાત્સ્યાયને આપેલા ઉપચારો કારગત છે કે નહીં? વાત્સ્યાયને ‘કામસૂત્ર’માં કોઈ ઉપચારો લખ્યા નથી. ઉપચારોનું એ પ્રકરણ બીજા લોકોએ લખેલું છે માટે એના પર ધ્યાન ન આપવું. એક સમયે એ ઉપચારો ચકાસી જોયા છે, પણ એમાં કોઈ ફાયદો નથી દેખાતો એટલે સૂચન એટલું જ કે એ ઉપચારોને અમલમાં મૂકવા નહીં. એને બદલે ડૉક્ટરને મળીને નિરાકરણ લાવવું.
20-Aug-2024