ભાજપમાં જોડાવા માટે મને રૂપિયા ૩ કરોડની ઓફર કરાય હતી : આપના કોર્પોરેટર

18-Jun-2021

આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ૠતા દુધાગરા દ્વારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ

સુરતઃ સુરત વોર્ડ નંબર-૩ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા ૩ કરોડની ઓફર કરી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ વિવાદ વચ્ચે બંનેને છૂટાછેડા લઇ લીધા હોવાનું જાણવા મળે છે.

ધારાસભ્ય ઝાલાવડિયાએ આક્ષેપોને ફગાવ્યા

કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાએ આપના મહિલા કોર્પોરેટર ઋતા દૂધાગરા દ્વારા કરવામાં આવેલ આક્ષેપ બાબતે જણાવ્યું કે, હું આ મહિલા કોર્પોરેટર કે તેમના પતિને ઓળખતો જ નથી અને કોઇ કોઇ કાર્યકર કે અન્ય પક્ષના કોર્પોરેટરને ભાજપની કાર્યનિષ્ઠાને કારણે પક્ષ સાથે જોડવી કે કેમ? તે અંગેનો નિર્ણય સંગઠને લેવાનો રહે છે. ત્રણ કરોડની લાલચ આપીને મહિલા કોર્પોરેટરને ભાજપમાં જોડાવવાનો મારા દ્વારા પ્રયાસ થઇ રહ્યો હોવાનો મહિલા સભ્ય દ્વારા કરવામાં આવેલ આક્ષેપ હાસ્યાસ્પદ છે. જો કોઇ પુરાવો હોય તો મીડિયા સામે રજૂ કરવામાં આવે વાસ્તવમાં પ્રજા સામે આપના કોર્પોરેટરોની છબી હવે ખુલ્લી પડવા માંડી છે અને તેથી નવા નવા ગતકડાં શરૂ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા એક કોર્પોરેટર પ્રેમી સાથે ભાગી ગયા હોવાની ચર્ચા ઉઠી હતી.

Author : Gujaratenews