સુરતમાં ડમ્પરના ચાલકે નોકરીએ જવા નીકળેલી પિતા વગરની મહિલા ટીઆરબીનુ માથુ કચડી નાખ્યું, નોકરી પર જવાનો રૂટ બદલ્યોને મોત આંબી ગયું

04-Aug-2021

તસવીર : માથા પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતાં મોત, મૃતક મહિલા TRB પ્રીતિબેન ચૌધરી, ડ્રાઇવરની ધરપકડ.

સુરત: પહેલીવાર વરિયાવ થઈ નોકરીના સ્થળ પાલનપુર પાટિયા જઈ રહી હતી ત્યારે સુરતમાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર દ્વારા એક્ટિવાસવાર મહિલા TRBને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સાથે લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ટ્રેલર જય મા સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. કાળનો કોળિયો બનેલી મહિલા TRBનું નામ પ્રીતિબેન પ્રવીણભાઇ ચૌધરી હોવાનું અને સવાર પાળીમાં ફરજ પર જતાં પહેલાં પહેલીવાર માતાને પગે લાગીને નીકળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પિતાનું સાત વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. ત્યાર બાદ નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી ઉઠાવી રહી હતી. જોકે હવે માતા અને બહેનનો આર્થિક સહારો જ અકસ્માતમાં છીનવાઈ ગયો છે.ટ્રેલરે એક્ટિવાને અડફેટે લીધા બાદ મહિલા TRBના માથા પરથી ટ્રેલર ફરી વળતાં માથું કચડાઈ ગયું હતું, જેથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રેલરચાલક સંદીપ બિંધની અટકાયત કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાઈ હતી:રાજેશભાઇ ચૌધરી (સંબંધી)એ જણાવ્યું હતું કે પ્રીતિને નોકરી પર લાગ્યાને લગભગ બે વર્ષ જ થયાં હતાં. પિતાનું 7 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પરિવારમાં પ્રીતિના મામા થોડીઘણી આર્થિક મદદ કરતા હતા, જેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આખો પરિવાર તૂટી ગયો હતો. જોકે પ્રીતિ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાઇ ગઈ હતી. દુઃખની વાત એ છે કે એક નાની બહેન અને માનસિક બીમાર માતા તારાબેનનો આર્થિક સહારો અકસ્માતમાં છીનવાય ગયો છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું:તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે પ્રીતિ માતાને પગે લાગી પહેલીવાર વરિયાવ જહાંગીરપુરા થઈ પોતાના નોકરીના સ્થળ પાલનપુર પાટિયા જઇ રહી હતી. કાળ મુખા ટ્રેલરે અડફેટે લઈ કચડી નાખી હોવાની વાત સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પ્રીતિ લગભગ બે મહિનાથી જ પાલનપુર પાટિયા નજીક નોકરી કરતી હતી. બે વર્ષની નોકરીમાં પ્રીતિએ માતાની સારવાર અને નાની બહેનની તમામ જવાબદારી નિભાવી છે.

નોકરી પર જવાનો રૂટ બદલ્યોને મોત આંબી ગયું:તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોજ પ્રીતિ તેની બે બહેનપણી સાથે નીકળતી હતી. આજે ખબર નહીં શું થયું કે તે એકલી નીકળી હતી. પહેલીવાર માતાના પગે પડવું, પોતાની નોકરી પર જવાનો રૂટ બદલવો, અને બહેનપણી વગર નોકરી પર જવું એ વિધાતાએ લખેલા લેખની વ્યાખ્યા જ કહી શકાય છે.

 

મિત્રને બર્થડેની સરપ્રાઈઝ આપવાની ઈચ્છા અધૂરી રહી

યુરેશા (ઘર સામે રહેતી બહેનપણી)એ જણાવ્યું હતું કે પ્રેમાળ સ્વભાવની પ્રીતિ સાથે રોજ સાંજ પડે એટલે ઘર બહાર બેસવાનું થતું હતું. નોકરી પર પણ તેની સાંથે જ જતી હતી. આવતીકાલે ગુરુવારે બહેનપણીના જન્મ દિવસને લઈ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને સરપ્રાઈઝ આપવાના હતા. જોકે તેની છેલ્લી ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી.

 

પરિવારની મદદ કરવા પ્રયાસ કરાશે

પ્રીતિ ચૌધરીના નોકરીનાં 2 વર્ષ જ થયાં છે, જેથી તેનો ઈન્શ્યોરન્સ ન હોઈ, મદદરૂપ થવા તમામ કર્મચારીઓ આર્થિક યોગદાન આપે અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ આર્થિક સહાય કરે એ બાબતે ટ્રાફિક ડીસીપી સાથે બેઠક કરવામાં આવશે. આ સાથે મૃતક પ્રીતિની નાની બહેન 18 વર્ષથી વધુ ઉંમરની હશે તો તેને પ્રીતિની જગ્યાએ નોકરી આપી પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરાશે.

Author : Gujaratenews