ગુજરાતમાં રાશન કાર્ડ કૌભાંડ: તપાસનો છેડો સુરત સુધી લંબાયો

29-Jul-2021

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને મળવાપાત્ર સરકારી અનાજનો જથ્થો છેલ્લા કેટલાય સમયથી સગેવગે કરનાર સંચાલકોની ધરપકડ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. કથિત સોફટવેર દ્વારા ઓનલાઈન ગેરેરિતી આચરી ગ્રાહકોના નામે અનાજ ઉધારી બારોબારિયું કરનાર તેમજ સોફટવેર આર્થિક ફાયદાસારૂ વેચી કૌભાંડના મુખ્ય સૂત્રધારોની પણ ક્રાઈમ બ્રાન્ચે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડની તપાસનો રેલો છેક સુરત સુધી પહોંચ્યો છે. સુરતની 45 જેટલી રેશનિંગની દુકાન પરથી યુઝર આઇ ડી જ વેચી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે સુરતમાંથી 52 લાખની કિંમતના ઘઉં અને 44 લાખની કિંમતના ચોખા સગેવગે થયા હોવાનો અંદાજ માંડી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં સુરતના સરકારી અનાજની દુકાના ધરાવનારા કેટલાક રાજસ્થાની પરવાનાદારની શંકાના અધારે પુછપરછ પણ કરવામાં આવી રહી છે. સરકારી અનાજને સગેવગે કરવાના કરોડોના આ કૌભાંડમાં સુરતની 45 જેટલી રેશનિંગની દુકાનો પરથી યુઝર આઇ ડી વેચવામાં આવી હોવાનું ફલિત થતા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

સુરતના મહુવા તાલકામાં 1,ચોકમાં 7,રાંદેર ઝોનમાં 11,કતારગામ ઝોનમાં 17,કામરેજમાં 6,અને પુણા ઝોનમાં 2 તેમજ વરાછા ઝોનમાં 1 દુકાનમાં યુઝર આઇડી અને ડેટા ચોરી થઇ છે.એક અંદાજ મુજબ સુરત શહેરની દુકાનોમાથી રૂ.52 લાખની કિંમતના ઘઉ, રૂ.44 લાખની કિંમતના ચોખા અને કરોડોની ખાંડ સગેવગે થઇ ગઇ હોવાની તપાસ શરૂ કરવામાં આવી છે.

તમામ પર કાર્યવાહી કરવામાં આવશે: પુરવઠા વિભાગનું મોટું કૌભાંડ બહાર આવતા હરકતમાં આવેલા જિલ્લા કલેકટર આયુષ ઓકે સુરત જિલ્લાના રેશનિંગની દુકાનની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે પુરવઠા અધિકારી અ્ને ઝોનલ અધિકારી સહિતની ટીમ બનાવીને રેશનિંગની દુકાનોની તપાસ શરૂ કરી સરકારી અનાજ સગેવગે કરનારની માહિતી મેળવી આવા પરવાનેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઝોનલ ઓફિસમાં કોન્ટ્રાકટ કર્મીનું રાજ: સુરત શહેર સહિત રાજ્યમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ અગાઉ પર પકડાયું હતું. જોકે,ત્યારબાદ પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં મહત્વની જવાબદારી આઉટ સોર્સિંગના કર્મચારીઓને આપવામાં આવી રહી છે. જેના કારણે કૌભાંડ વધી રહ્યા છે. આવા કર્મચારીઓની પરવાનગીથી જ રાજસ્થાની પરવાનેદારો સરકારી અનાજ વેચવાનો ગોરખધંધો ખુલ્લે આમ કરી રહ્યા છે.

અનાજ કૌભાંડથી પુરવઠા તંત્ર કેમ અજાણ રહ્યું ?

 

મહેસાણા જિલ્લામાં પુરવઠા અધિકારી કે.જી. મિસ્ત્રીના તાબા હેઠળની નિરીક્ષકની ટીમ તપાસના નામે વ્યાજબી ભાવની દુકાનો પર ધમપછાડા કરે છે. ત્યારે તેમની જ નાક નીચે ચાલતાં મસમોટા અનાજ કૌભાંડની જાણથી કેમ બાકાત રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ દિશામાં પણ તપાસ હાથ ધરે તો કૌભાંડનો રેલો પુરવઠા તંત્રની કચેરી સુધી પણ પહોંચી શકે છે.

કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે સંચાલકો સહિત 10 શખ્સોની અટક કરી

જરૂરિયાતમંદ પરિવારો માટે સરકાર તરફથી ફાળવવામાં આવતો અનાજના જથ્થાનું ગેરરિતી આચરી બારોબારિયું કરનાર ૧૦ શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૬, પાટણ જિલ્લાનો એક તેમજ મહેસાણા જિલ્લાના ૩ શખ્સોની ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Author : Gujaratenews