રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા બની તેજ, એક સપ્તાહમાં 8 લાખ લોકોને રસી આપવામાં આવશે

24-May-2021

રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન તેજ કરવા રાજ્ય સરકારે આગોતરૂ આયોજન કર્યું છે.  રસીકરણ મહાઅભિયાન તેજ કરવાના ભાગરૂપે હવે 10 શહેરોમાં રોજના 1 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે સરકારે કમરકસી છે. નવા આયોજન દ્વારા રાજ્ય સરકારે આગામી એક સપ્તાહમાં 8 લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક સેવ્યો છે.

રાજ્યમાં 45 દિવસ બાદ દૈનિક મૃત્યુઆંક 53 થયો છે અને 4 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્યમાં રાહતની શરૂઆત થઇ છે. કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તો મૃત્યુઆંક પણ નીચો આવી રહ્યો છે.

 

રાજ્યમાં કોરોનાના નવા 3,794 કેસ નોંધાયા, જ્યારે 53 દર્દીઓના મૃત્યુ થયા. 8,734 દર્દીઓ સાજા થવાની સાથે રાજ્યમાં કુલ 7 લાખ 3 હજાર 760 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 9,576 પર પહોંચ્યો છે. રાજ્યમાં 75 હજાર 134 એક્ટિવ કેસો છે, તો 652 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર છે.

 

અમદાવાદમાં 569 નવા કેસ સાથે 7 દર્દીઓના મૃત્યુ થયા. સુરતમાં નવા 445 કેસ સાથે 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. વડોદરામાં 499 નવા કેસ સાથે 5 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટમાં 303 નવા કેસ સાથે 4 દર્દીઓ કોરોના સામે હાર્યા, તો જામનગરમાં 156 કેસ સાથે 5 દર્દીએ જીવ ગુમાવ્યો.

આ સિવાય કોરોનાથી પાછલા 24 કલાકમાં બનાસકાંઠામાં 4, મહેસાણામાં 3 દર્દીઓ જીવ ગુમાવ્યો. પાટણ, અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં બે-બે દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા.

Author : Gujaratenews