રાજકોટમાં ‘આવા કપડાં પહેરી નીકળવાનું નહિ’ કહ્યુ અને ખેલાયો ખૂની ખેલ

20-May-2021

રાજકોટ : શહેરમાં સામાન્ય બાબતોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરવાના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે વધુ એક બનાવમાં મવડી વિસ્તારમાં રહેતા ચાર શખ્સે તરુણીને પહેરેલા કપડાંના મુદ્દે ધમકાવ્યા બાદ ચારેય શખ્સને સમજાવવા ગયેલા તરુણીના પિતા અને કાકા પર ખૂની હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. હુમલામાં ઘનશ્યામભાઇ જાદવ અને તેના ભાઇ દિનેશભાઇને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવને પગલે પોલીસે ચાર પૈકી એક તરુણ આરોપીને સકંજામાં લીધો છે.
રાજકોટ શહેરની મવડી ચોકડી પાસે ઉદયનગર-2માં રહેતા ઘનશ્યામભાઇ બાબુભાઇ જાદવે પાડોશમાં જ રહેતા વિશાલ મનીષ સનડા, રાજવીર પરમાર, તુષાર રમેશ જેઠવા અને તેજશ વિરમ ઉર્ફે કનુ તરવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને બે સંતાન છે. તે પૈકી મોટી પુત્રી બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે બહારથી ઘરે આવી વાત કરતા કહ્યું કે, સવારે પોતે ઘરેથી બહાર નીકળી ત્યારે શેરીમાં જ રહેતા વિશાલ, રાજવીર, તુષાર, તેજશ રોડ પર બેઠા હતા. તે સમયે ચારેયે આવા કપડાં પહેરીને શેરીમાં નીકળવાનું નહીં તેમ કહી ધમકાવી હોવાની વાત કરી હતી. જેથી પોતે ઘરમાંથી બહાર નીકળતા ચારેય શખ્સ ત્યાં બેઠેલા હોવાથી તેમને સમજાવવા ત્યાં ગયા હતા. ત્યાં પહોંચી ચારેયને મારી દીકરીને કેવા કપડાં પહેરવા તે તમારે શીખવવાની જરૂર નથી તેવું કહેતા જ ચારેય ઉશ્કેરાય જઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે નાનો ભાઇ દિનેશભાઇ છોડાવવા દોડી આવતા તેને પણ માર માર્યો હતો. ત્યાર બાદ તુષાર અને તેજશે પોતાને પકડી રાખી આજે તો તારું પૂરું જ કરી નાખવું છે. તેમ કહેતા રાજવીરે તેના નેફામાંથી છરી કાઢી પોતાને બંને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા પોતે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યો હતો. બાદમાં વિશાલે ભાઇ દિનેશને પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. સવારના સમયે બનેલા બનાવને પગલે લત્તાવાસીઓ એકઠા થઇ જતા ચારેય શખ્સ ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં ભત્રીજો અમને બંને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો.
બનાવની જાણ થતા પીઆઇ કે.એન.ભૂકણ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. પોલીસે ચાર પૈકી એક તરુણને દબોચી લઇ અન્યને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Author : Gujaratenews