રાજકોટમાં 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા, 7 વૃક્ષ ધરાશાયી થયા

16-May-2021

રાજકોટ :કુવાડવા રોડ પર એક બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી જેના માટે ફાયર ફાઈટર મોકલાયું હતું. બીજી તરફ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે પાર્કિંગમાં રાખેલી કારમાં આગ ભભૂકી ઊઠી હતી. આ બધી જગ્યાએ ભારે પવનથી વીજવાયર ભેગા થતા સ્પાર્કથી આગ લાગી કે પછી બીજે ક્યાંથી તિખારા આવ્યા તે સ્પષ્ટ થયું નથી. બીજી તરફ 80 ફૂટના રોડ પર બાપુનગર સ્મશાનમાં ચિતા સળગી રહી હતી ત્યારે પવન શરૂ થતા તિખારા ઊડીને લાકડાંના જથ્થામાં પડ્યા હતા અને ત્યાં આગ ભભૂકતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. આ દરમિયાન જ અનેક જગ્યાએ વીજપુરવઠો ઠપ થયો હતો જેથી રેલનગરના એક એપાર્ટમેન્ટમાં લિફ્ટ બંધ થતા ત્રણ લોકો ફસાયા હતા જેને પણ ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત વિજય પ્લોટ, કાલાવડ રોડ સહિત શહેરના અલગ અલગ 7 સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા. નવલખી પોર્ટે 4 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માળિયાના જુમાવાડી માંથી 800 લોકોનું સ્થળાંતર કરાયું છે. વાંકાનેરમાં ભારે પવન ફૂંકાયો હતો. રાજકોટમાં મોડી સાંજે 08:07 કલાકે ધૂળની ડમરીઓ ઊડી હતી અને એકદમથી પવન ફૂંકાવાનો શરૂ થયો હતો જે થોડીવારમાં શાંત થઈ ગયા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 80 કિ.મી. પ્રતિ કલાકની હતી અને પાંચ મિનિટ પૂરતો ફૂંકાયો હતો પણ માત્ર 5 મિનિટના પવને શહેરમાં અનેક જગ્યાએ ઊથલપાથલ કરતા ફાયરબ્રિગેડ તુરંત જ સ્થળોએ પહોંચ્યું હતું.  વાવાઝોડાના પગલે રાજકોટમાં એનડીઆરએફની ટીમ એરલિફ્ટ કરાઇ હતી.પવન શમ્યાની થોડી જ મિનિટોમાં ફાયરબ્રિગેડમાં ફરિયાદો શરૂ થઈ હતી.

Author : Gujaratenews