લલ્લુજી એન્ડ સન્સે કુંભમેળામાં 109 કરોડનું કૌભાંડ આચર્યું, પ્રયાગરાજમાં 2019માં યોજાયેલા કુંભમેળામાં કરાયો ભ્રષ્ટાચાર

17-Jun-2021

અમદાવાદ : 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટાપાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. 109 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે 11 સામે તપાસનો આદેશ થયો છે. તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ કર્યા હતા.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 2019માં યોજાયેલા કુંભમેળામાં ભ્રષ્ટાચાર થયો હતો. 109 કરોડના નકલી બિલ રજૂ કરીને પેમેન્ટ ખોટી રીતે પેમેન્ટ મેળવ્યાનો દાવો થયો હતો. કુંભ મેળામાં ઘણાં વર્ષોથી તંબુની સુવિધા આપનારી કંપની લલ્લુજી એન્ડ સન્સે જ મોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ ઘટના પછી પ્રયાગરાજ કુંભમેળા સમિતિએ પાંચ વર્ષ માટે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે. સમિતિના અિધકારીઓએ કહ્યું હતું કે 27મી ફેબ્રુઆરી 2019થી 6 જુલાઈ 2019 વચ્ચે આ કંપની અને તેના ભાગીદારોએ કુલ 196 કરોડ રૂપિયાના બિલ રજૂ કર્યા હતા. એમાં ભ્રષ્ટાચાર થયાનું ખુલ્યું હતું.શરૂઆતી તપાસમાં જણાયું હતું કે 86 કરોડના બિલ બરાબર હતા, પરંતુ 109 કરોડના વાઉચર અને બિલ નકલી હતા. ટેન્ટની સર્વિસના ખોટા બિલ રજૂ કરીને કંપનીએ પેમેન્ટની માગણી કરી હતી. અલગ અલગ સમયે કુંભમેળા સમિતિ પાસેથી ટેન્ટ કંપનીએ 171 કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવી લીધું હતું. એ પછી જ્યારે ફાઈનલ હિસાબ મંડાણો ત્યારે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કુંભમેળા સમિતિના આયોજક દયાનંદ પ્રસાદે દારાગંજ પોલીસ સ્ટેશને કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છમાં દર વર્ષો યોજાતા રણોત્સવમાં પણ આ જ લલ્લુજી એન્ડ કંપની ટેન્ટ સુવિધા આપવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ કંપની ભા.જ.પ.ના મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું ચર્ચાય છે.

Author : Gujaratenews