પ્રધાનમંત્રી મોદીનો કાશ્મીરી નેતાઓને સંદેશ : જમ્મુ-કાશ્મીરમાં નવા સીમાંકન પછી રાજ્યનો દરજ્જો, વિધાનસભા ચૂંટણી

25-Jun-2021

જમ્મુ કાશ્મીરના લોકો સાથે દિલ્હીનું જ નહીં દિલનું અંતર પણ દૂર કરવા માગીએ છીએ : પીએમ

નવી દિલ્હી,: સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી વચ્ચે રાજકીય મતભેદ હશે પરંતુ બધાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ જેથી કરીને જમ્મુ કાશ્મીરના લોકોને ફાયદો થાય. તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તમામ માટે સુરક્ષા તથા સુરક્ષાનો માહોલ સુનિશ્ચિત કરવાની જરુર છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના નેતાઓના જૂથને જમ્મુ-કાશ્મીરમાં હાલ ચાલી રહેલેી નવી સીમાંકન કાર્યવાહી પૂરી થયા પછી વિધાનસભા ચૂંટણી યોજવાનું કહ્યું છે તેમ પીપલ્સ કોન્ફરન્સના નેતા મુઝ્ફર હુસૈન બેગે વડાપ્રધાન સાથેની બેઠક પછી જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથેની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે તેઓ દિલ્હીના અંતરની સાથે દિલનું અંતર પણ દૂર કરવા માગે છે. તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે કટિબદ્ધ છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવી એ અમારી પ્રાથમિક્તા છે. નવી સીમાંકન કાર્યવાહી પછી તુરંત વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. આ બેઠકનું મુખ્ય ફોકસ જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત કરવાનું હતું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને જમ્મુ-કાશ્મીરના બધા જ ૧૪ નેતાઓની બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના બધા જ નેતાઓએ ઓગસ્ટ ૨૦૧૯માં દૂર કરાયેલો રાજ્યનો દરજ્જો પાછો આપવાની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે ૫મી ઑગસ્ટ ૨૦૧૯ના રોજ બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરવાની સાથે તેના પુનર્ગઠનના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના ભાગલા પાડી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશની રચના પછી કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રવાહના પક્ષો વચ્ચે આ સૌપ્રથમ બેઠક હતી.

 

વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે, ડીડીસી ચૂંટણીના સફળ સંચાલનની જેમ વિધાનસભા ચૂંટણી યોજવી પણ તેમની પ્રાથમિક્તા છે. જમ્મુ-કાશ્મીરમાં નવી સીમાંકન કાર્યવાહી પૂરી થયા પછી તુરંત ચૂંટણી યોજાઈ શકે છે. એકંદરે આ બાબતથી મોટાભાગના નેતાઓએ તેના માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત બનાવવા અને જમ્મુ-કાશ્મીરના લોકોનો વિકાસ થઈ શકે તે માટે તેમની સાથે મળીને કામ કરવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તેઓ દિલ્હીના અંતરની સાથે દિલનું અંતર પણ દૂર કરવા માગે છે.

 

વડાપ્રધાને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એક પણ મોત પીડાદાયક છે અને આપણી યુવાપેઢીનું રક્ષણ કરવું એ આપણું સામુહિક કર્તવ્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે જમ્મુ-કાશ્મીરના યુવાનોને તક આપવાની જરૂર છે અને તે આપણા દેશને ઘણું બધું આપશે.

 

જમ્મુ-કાશ્મીર દ્વારા હાંસલ કરાયેલા વિકાસ પર અનેક જન-સમર્થક પહેલોના અમલ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે લોકોમાં નવી આશા અને આકાંક્ષાઓ પેદા કરી રહ્યો છે. લોકો ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો અનુભવ કરે છે ત્યારે લોકોમાં વિશ્વાસ જાગે છે અને લોકો તંત્રને પોતાનો સહયોગ પણ આપે છે અને આ બાબત જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી છે. વડાપ્રધાને કહ્યું કે આપણી વચ્ચે રાજકીય મતભેદ હશે, પરંતુ બધાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ, જેથી જમ્મુ-કાશ્મીરના લોકોને લાભ મળે.

 

પીપલ્સ કોન્ફરન્સના મુઝફ્ફર હુસૈન બેગે જણાવ્યું કે, આ બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી. અમે બધા જ લોકતાંત્રિક પ્રક્રિયા માટે કામ કરવા સંમત થયા હતા. વડાપ્રધાને ખૂબ જ શાંતિપૂર્વક બધા જ નેતાઓની વાતો સાંભળી હતી. લગભગ બધા જ નેતાઓએ જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો ફરીથી બહાલ કરવાની માગણી કરી હતી. વડાપ્રધાને વિધાનસભા ચૂંટણી યોજવાની ખાતરી આપી છે. પરંતુ તેના માટે કોઈ નિશ્ચિત સમય જણાવ્યો નથી.

 

વડાપ્રધાને બોલાવેલી આ બેઠકમાં અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યના ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ નેશનલ કોન્ફરન્સમાંથી ફારૂખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને પીડીપી વડા મહેબૂબાત મુફ્તીનો સમાવેશ થાય છે. અન્ય નેતાઓમાં ચાર ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ કોંગ્રેસના તારાચંદ, પીપલ્સ કોન્ફરન્સના નેતા મુઝફ્ફર હુસૈન બેગ અને ભાજપના નિર્મલ સિંહ તથા કવિન્દર ગુપ્તા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા, પીએમઓમાં રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યા હતા.

Author : Gujaratenews