અમદાવાદ-સુરતમાં પેટ્રોલના ભાવ રૂ. ૯૪.૬૦, દેશમાં પેટ્રોલ-ડીઝલમાં 52 દિવસમાં ૨૯મો ભાવ વધારો ઝીંકાયો

25-Jun-2021

નવી દિલ્હી,:આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં મજબૂતાઈના પગલે ફરીથી ઈંધણના ભાવ વધવાને પગલે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા બાવન દિવસમાં ૨૯મી વખત ભાવવધારો થયો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલમાં ૨૬ પૈસા અને ડીઝલમાં ૨૭ પૈસાનો વધારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાના સિલસિલાના પગલે જનતાને ઈંધણના ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના દેખાતી નથી. પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવમાં ઘટાડા માટે જનતા સરકાર તરફ નજર દોડાવી રહી છે ત્યારે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજાને ખો આપી રહી છે.

 

પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો અટકાવવા કેન્દ્ર રાજ્ય સરકારોને વેટમાં ઘટાડો કરવા કહે છે જ્યારે રાજ્ય સરકારો કેન્દ્ર એક્સાઈઝમાં ઘટાડો કરે તેવી આશા રાખીને બેઠી છે. પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની એકબીજાને ખો આપવાની વચ્ચે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને વર્તમાન સંજોગોમાં ઈંધણના ભાવમાં ઘટાડાના કોઈ સંકેત મળી રહ્યા નથી.

 

પેટ્રોલ અને ડીઝલમાં નિયમિત સમયાંતરે થઈ રહેલા ભાવવધારાથી ઈંધણના ભાવ દરેક વખતે નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે. દેશના મેટ્રો સિટીમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લુરુ પછી હવે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની નજીક પહોંચી રહ્યો છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ૧૮ દિવસના વિરામ પછી ૪થી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ૨૯મો વધારો છે. આ સમયમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૭.૩૬ અને ડીઝલ પ્રતિ લીટર રૂ. ૭.૭૭ મોંઘા થયા છે.

 

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૭.૭૬ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૮.૩૦ થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૬૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૦૫ થયો હતો. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૮૮ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૨.૮૯ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એપ્રિલ ૨૦૧૯ પછી પહેલી વખત બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૭૫ ડોલરને પાર થયું છે તેમજ યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતાં પણ ક્રૂડની આયાત મોંઘી થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

 

દેશમાં હાલ નવ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને લદ્દાખમાં પેટ્રોલના ભાવે પ્રતિ લીટર રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૩.૮૯ અને ડીઝલનો ભાવ રૂ. ૯૫.૭૯ છે. દેશમાં સૌથી વધુ વેચાતા ડીઝલના ભાવે પણ પ્રતિ લીટર રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. આ મહિનાના પ્રારંભમાં રાજસ્થાનના શ્રીગંગાનગર અને હનુમાનગઢ તેમજ ઓડિશામાં કેટલાક સ્થળો પર ડીઝલનો ભાવ રૂ. ૧૦૦થી ઉપર છે.

Author : Gujaratenews