ગુજરાતમાં પાટીદારોને અનામત મળી શકે, રાજ્ય સરકારોને OBC લીસ્ટ તૈયાર કરવાનો અધિકાર

10-Aug-2021

સરકાર અને વિપક્ષનું ‘હમ સાથ-સાથ હૈ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવાની સાથે ગુજરાતમાં પટેલોને અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો કરી દીધો છે. કેન્દ્ર સરકારના ઓબિસી અનામત બિલને વિપક્ષનું પણ સમર્થન મળી ગયું હોવાથી આ બિલ એકાદ-બે દિવસમાં સંસદમાં પસાર થઈ જવાની પૂરી સંભાવનાઓ છે. સંસદનું ચોમાસુ સત્ર હવે સમાપ્ત થવાને આરે છે, પરંતુ તેની શરૂઆતથી જ ગૃહની કાર્યવાહીમાં દરરોજ હંગામો મચાવીને કોઈપણ ભોગે સંસદને ન ચાલવા દેવાના વિપક્ષના વર્તનમાં આજે અચાનક ચમત્કારિક ફેરફાર જોવા મળ્યો અને કેમ ન હોય આખરે વાત જ એવી છે જેમાં દરેક પક્ષ હાથ નીચા કરી દે. આજે સંસદમાં જ્યારે ઓબીસી બિલ રજૂ કરવામાં આવ્યું તો વિપક્ષના તમામ પક્ષો પણ ઓબીસી અનામત બિલ પર સરકારના સૂરમાં સૂર પૂરાવવા લાગ્યા હતા. જો કે, વિપક્ષના આ પગલાની પહેલાથી જ આશા હતી કારણ કે વિપક્ષ ઇચ્છતો નહોતો કે આ બિલ તેના હંગામાને કારણે રજૂ ન થાય. કારણ આ બિલની સીધી અસર વોટબેંક પર પડી શકે છે. હવે આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ થયા બાદ કહ્યું કે ગૃહનો એક જવાબદાર પક્ષ હોવાને કારણે અમે અમારી જવાબદારી જાણીએ છીએ. આ માટે તમામ વિપક્ષી પાર્ટીઓએ નક્કી કર્યું છે કે અમે અનામત સંબંધિત ૧૨૭ મા બંધારણીય સુધારા બિલને ટેકો આપીએ છીએ. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ બહુમતીના બાહુબલી છે, તેમણે અમારી વાત સાંભળી નહીં. અમે સરકારને રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી હતી. આજે ભારતમાં સરકાર આંદોલન અને પછાત વર્ગના ગુસ્સાના ભયમાં સરકાર સમય પસાર કરી રહી છે.

કેન્દ્ર સરકારે આજે લોકસભામાં ઓબીસી અનામત સંબંધિત મહત્વનું બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થયા બાદ હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે. ૧૨૭ મા બંધારણીય સુધારા બિલ દ્વારા રાજ્યોને તેમના અનુસાર ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર હશે.તેમજ, કોંગ્રેસ સહિત ૧૫ મોટા  વિરોધ પક્ષોએ આ બિલ રજૂ કરતા પહેલા આ બાબતે ચર્ચા બેઠક કરી હતી. આજે યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) ને લગતા સુધારાઓ બિલને પાસ કરવામાં વિપક્ષ સંપૂર્ણ ટેકો આપશે. બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે બધા આ સુધારા બિલને ટેકો આપીશું.

ખડગેએ કહ્યું કે અન્ય મુદ્દાઓ તેમની જગ્યા ધરાવે છે, પરંતુ આ મુદ્દો દેશના હિતમાં છે કારણ કે દેશની અડધીથી વધુ વસ્તી સાથે સંબંધિત છે આ બિ. અમે તેને સંપૂર્ણ સમર્થન આપીશું. 

Bill સુધારાની જરૂર કેમ પડી?

હકીકતમાં, આ વર્ષે 5 મેના રોજ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓબીસીમાં કોઈપણ જાતિને સમાવવાનો અધિકાર કેન્દ્ર પાસે છે, રાજ્યો સાથે નહીં. આને ટાંકીને કેન્દ્રએ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અપાયેલું અનામત રદ કર્યું છે. જો કે સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબત પર પુનર્વિચારણાની અપીલ કરી હતી, પરંતુ તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

Author : Gujaratenews