નડિયાદમાં બાળકો વેચવાનું કૌભાંડ : માતાએ જ પુત્રનો ૬ લાખમાં સોદો કર્યો

21-Aug-2021

ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છટકુ ગોઠવી જિલ્લાના વડામથકમાંથી બાળક તસ્કરી કૌભાંડ ઝડપી પાડયુ છે. છલાખમાં બાળકનો સોદો થતો હોવાની અને તેમાં દોઢ લાખ રૂપિયાના હિસ્સા માટે સગી જનેતા પણ પોતાના બાળકને વેચતી હોવાની હકીકત બહાર આવતા ચકચાર મચી છે. આ બનાવમાં પોલીસ ટીમે માતા સહિત કુલ ચાર મહિલાને રાઉન્ડઅપ કરી આગળની હાથ ધરી છે.

ખેડા નડિયાદ એસ.ઓ.જી ને બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક નાના બાળકના વેપાર થાય છે.જે અન્વયે સ્થાનિક પોલીસ ટીમે સમગ્ર કૌભાંડ અંગે તપાસ આદરી હતી.જેમાં પોલીસ ટીમે ગ્રાહક બની મૂળ સુધી પહોચવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં શહેરના સંતરામ શાકમાર્કેટનજીક માયાબેન લાલજીભાઇ દાબલા આવવાના હોવાની બાતમી મળી હતી. બાતમી અનુસાર મહિલા પોલીસ કર્મચારીએ માતા બનીને મહિલાનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસ ટીમ ગ્રાહકના સ્વાંગમાં પહોચી હતી અને મહિલા સાથે બાળકની ડીલ નક્કી કરાઇ હતી.તે સમયે માયાબહેનની સાથે મોનિકાબેન મહેશભાઇ શાહ, પુષ્પાબેન સંદીપભાઇ પટેલિયા પણ હાજર હતા. ત્યારે મહિલા પોલીસ કર્મચારીએ તેને બાળક જોઇતુ હોવાની વાત કરી હતી. આ બાદ ત્રણેય મહિલાઓએ કહેલ કે થોડીવાર ઉભા રહો બાળકનુ કરી આપીએ છીએ. થોડીવાર પછી એક મહિલા આવીને મહિલા પોલીસ કર્મચારીને કહેલ કે બાળકના રૂા.૬,૦૦,૦૦૦ થશે. આ બાદ એક મહિલા બાળક લઇને આવતા પોલીસ ટીમે ત્રણેય મહિલાઓની અટકાયત કરી હતી.

સંડોવાયેલ મહિલાઓ ગ્રાહકોની જરૂરીયાત મૂજબ બાળકો મેળવી આપતા હોવાનુ બહાર આવ્યુ છે.જેમાં દિકરો કે દિકરી શુ જોઇએ છે,વળી કેટલી ઉંમરના જોઇએ છે તેવી પસંદગી આપવામાં આવતી હતી. બાળકની ઉંમર અને દિકરા કે દિકરી મૂજબ પૈસા અને ડીલ નક્કી કરવામાં આવતી હોવાનુ બહાર આવ્યુ છે.

 

પોલીસે અટકાયત કાર્યવાહી કરેલી ચાર મહિલા

(૧) મોનીકાબેન મહેશભાઇ શાહ, રહે.કિશન સમોસાનો ખાંચો, વાણીયાવાડ, નડિયાદ, (૨) પુષ્પાબેન સંદીપભાઇ પટેલીયા, રહે. રામદુધાની ચાલી, મિલરોડ, નડિયાદ, (૩) માયાબેન લાલજીભાઇ દાબલા, રહે. કર્મવીર સોસાયટી,  પીજ રોડ, નડિયાદ, (૪) રાધિકાબેન રાહુલભાઇ ગેડામ, રહે. મહારાષ્ટ્ર નાગપુર,

Author : Gujaratenews