ગુજરાતને 3 હજાર કરોડનાં નુક્શાનનો અંદાજ, પ્રધાનમંત્રીએ તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર અને દીવ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

18-May-2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજયમાં તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા સૌરાષ્ટ્ર અને દીવ વિસ્તારોનું આજે હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે સવારે નવી દિલ્હીથી હવાઇ માર્ગે ભાવનગર આવ્યા હતા ત્યારે ભાવનગર હવાઈ મથકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.

ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે.પીએમ મોદી દ્વારા ગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની આજે જાહેરાત કરાય તેવી સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર દરિયાંકાંઠાના ઉના, જાફરાબાદ, મહુવા અને દીવમાં વાવાઝોડાના લીધે નુકસાન અંગે હવાઈ નિરીક્ષણ કર્યું. 

પ્રધાનમંત્રી ત્યારબાદ અમદાવાદ આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજયના ઉચ્ચ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઇ માર્ગે નવી દિલ્હી પરત જશે.

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે 12 જિલ્લામાં કુલ 45 લોકોના મોત થયા છે તેવી બુધવારે માહીતી મળી છે. જેમાં 15 લોકો મોત સૌરાષ્ટ્રના અમરેલીથી નોંધાયા છે.

Author : Gujaratenews