સુરતના કાપડ-હીરા બજારની 250 માર્કેટમાંં દોઢ લાખ દુકાનો-ઓફિસો શરૂ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ

21-May-2021

ગુજરાત સરકાર આશિંક અનલોક લાગુ કરતા શહેરમાં જૂની અને નવી મળીને માર્કેટની સંખ્યા 250થી વધુ માર્કેટ થઈ ચુકી છે. જેમાંથી 1 લાખથી વધુ દુકાનો મિની લોકડાઉનના 23 દિવસ બાદ ખુલતા વેપારીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. ઉપરાંત હીરા બજારમાં પણ દુકાનો ખુલી જતાં વેપારીઓને રાહત થઈ છે.

સ્થાનિક  વેપારીએ જણાવ્યું હતું કે, જુસ્સા સાથે વેપારીઓએ નવી SOP મુજબ દુકાનો ખોલી છે. દુકાનોમાં કામ કરતા કારીગરોની અછત હાલ દેખાય રહી છે. માર્કેટને રનિંગમાં આવતા હજી 20 દિવસનો સમય લાગશે. પરપ્રાંતીય કારીગરો જેઓ બીજા રાજ્યોમાંથી આવતા હોય છે એમને પાછા લાવવામાં ઘણી તકલીફો પડશે. આખા વર્ષનો 50 હજાર કરોડના વેપારનો 30 ટકા વેપાર તો છેલ્લા અઢી મહિનામાં એટલે કે 15 માર્ચથી મે 31 સુધીમાં કરાતો હોય છે. લગભગ 17 હજાર કરોડના વેપારમાં 10 હજાર કરોડનું તો વેપારીઓ નુકસાન કરીને બેઠા છે અને બાકીના 7 હજાર કરોડનો માલ ગોડાઉન કે ટ્રાન્સપોર્ટમાં પડેલો હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ 12-15 હજાર કરોડનું પેમેન્ટની ઉઘરાણી હજી બાકી છે. જોકે એક નવી શરૂઆત સાથે વેપારીએ વેપાર શરૂ કર્યો છે. આશા છે કે બહારગામના વેપારીઓ સાથે તમામનો સહકાર મળી રહેશે.

Author : Gujaratenews