કેરીનાં 10 કિલોનાં બોક્સનાં ભાવ તળિયે, 180થી 500 રૂ.નો ઘટાડો

20-May-2021

મૌસમ બદલતા દરેક શહેરમાં કેરીના ભાવ ગગડવા લાગ્યા છે. વાવાઝોડાને કારણે તાલાલા પંથકમાં કેસર કેરીનાં પાકને મોટેપાયે નુકસાન થયું છે. 18 મે નાં રોજ યાર્ડ બંધ રહ્યું હતું બાદ 19નાં હરરાજી થતાં એક જ દિવસમાં ભાવ તળિયે બેસી ગયા હતા. તા.17 મેનાં 10 કિલોનાં બોક્સનાં નીચા ભાવ 250 રૂપિયા હતા અને ઉંચા ભાવ 750 રૂપિયા હતા. જયારે 19 મે નાં નીચા ભાવ 70 રૂપિયા અને ઉંચા ભાવ 250 બોલાયા હતા. આ ઉપરાંત એક દિવસ બાદ યાર્ડમાં 6787 બોક્સની આવક ઘટી હતી. 19 મે નાં 16 હજાર બોક્સ આવ્યા હતા. તેની સામે 17 મેનાં 22787 બોકસની આવક થઇ હતી.
વર્ષમાં માત્ર એક સિઝન કેરીની હોય છે. મોટાભાગનાં ખેડૂતો તેના પર આધાર રાખે છે. વાવાઝોડાએ કેરીનાં પાકનો સફાયો કરી નાખ્યો છે. ગીરમાં 81 હજાર હેકટરમાં આંબાવાડી છે.તા. 4 મેથી કેરીની સિઝન શરૂ થઇ હતી. મુખ્ય સિઝન તો 15 મેથી 10 જુન સુધીની હોય છે. પરંતુ મુખ્ય સિઝન પહેલા જ  વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. 11 દિવસમાં આંબામાંથી અંદાજે 35 ટકા કેરી ઉતરી હતી. હજુ 65 ટકા જેટલી કેરી આંબામાં હતી.  આંબામાં રહેલી 65 ટકા કેરી પૈકીની 75 ટકા કેરીને નુકસાન થયું છે. ઓથ મળી ગયો તેવી 25 ટકા કેરી આંબામાં રહી ગઇ છે. તેમજ એક અદાંજ મુજબ ગીરમાં 22 લાખ કેરીનાં બોકસનું નુકસાન થયું છે.જેની કિંમત અંદાજીત 88 કરોડ જેટલી થાય છે.  આ ઉપરાંત ગીરમાં 10 હજાર આંબાને નુકસાન થયું છે. કોઇ આંબા પડી ગયા છે. તો કોઇની ડાળીઓ તુટી ગઇ છે.

ગત વર્ષે તાલાલા યાર્ડમાં કેસર કેરીનાં 7.15 લાખ બોકસની આવક થઇ હતી. તેમજ કેરીનાં ભાવ પણ અંત સુધી ઝળવાઇ રહ્યાં હતાં. કુલ 50 લાખ બોકસ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગયા હતાં. 
600 રૂપિયા આપતા મજુર આવતા નથી | કેરી આંબામાંથી નીચે ખરી પડી છે. તેમાંથી સારી કેરી બહાર કાઢવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 600 રૂપિયા આપવા છતા પણ કોઇ મજુર આવવા ત્યાર થયા નથી. ખેડૂતો અને ઇજારો રાખનાર લોકો મહેનત કરી રહ્યાં છે.

Author : Gujaratenews