સુરતીઓ તમારા માટે તંત્રએ આવી વ્યવસ્થા કરી ! આવકના દાખલા લેવા લાગી લાંબી કતાર

30-Jun-2021

એક તરફ લોકોને ભીડ ભાડથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે. ત્યાં અઠવાલાઇન્સ ખાતે આવેલા નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આજે વહેલી સવારથી જ જરૂરી દસ્તાવેજો મેળવવા માટે લોકો લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા.આ દ્રશ્ય માત્ર સુરત અઠવાલાઇન્સ જનસેવા કેન્દ્રના નથી પરંતુ ઘણા જનસેવા કેન્દ્ર પર મોટાભાગે લોકોની આ ફરિયાદ જોવા મળે જ છે. ઘણીવાર સિસ્ટમમાં પણ ટેક્નિકલ ખામીઓ સર્જાતા કે સર્વર ઠપ્પ રહેતા પણ લોકોના કલાકોનો સમય બગડે છે.

જેના માટે વહેલી સવારથી જ લોકોએ નોકરી ધંધા છોડીને આ કામ માટે સમય કાઢવો પડે છે. કલાકોની લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ એ ગેરંરી નથી હોતી કે તેમનો નંબર લાગશે અને તેઓને આવકના દાખલા, કે જાતિનું પ્રમાણપત્ર મળશે જ.કોરોના પછી હવે જ્યારે સરકારી કચેરીઓ ધમધમતી થઈ છે બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓ પણ શરૂ થઈ છે તેવા સમયે લોકોનો આ ધસારો થવાનો જ હતો. પરંતુ તેની સામે તંત્ર દ્વારા કોઈ આગોતરી તૈયારી ન કરાતા આ અવ્યવસ્થા સર્જાઈ છે.

લોકોના ધસારા સામે સ્ટાફની વ્યવસ્થા ઓછી પડતી હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. ત્યારે આ લાઇન જોતા વહીવટી તંત્ર ક્યાં તો ઓનલાઈન સિસ્ટમ વ્યવસ્થિત બનાવે અથવા તો લોકોને લાઈનમાં ઉભા ન રહીને સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી બીજી કોઈ વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠી છે.નોટબંધીના સમયથી લોકો લાઈનમાં ઉભા રહેવા ટેવાઈ ગયા છે તેવું કહીએ તો પણ ખોટું નથી. હવે સુરતમાં આવકના દાખલા સહિત જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે અઠવાલાઇન્સ ખાતે આવેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં લાંબી લાઇન લાગી હતી.

તંત્ર દ્વારા ઓનલાઈન સિસ્ટમ ઉભી કરવા છતાં લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે એ વાસ્તવિક હકીકત છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે શાળામાં પ્રવેશ માટે જરૂરી આવકના દાખલા અને જરૂરી પ્રમાણપત્રો મેળવવા લોકોએ નાગરિક સુવિધા કેન્દ્ર પર લાઇન લગાવી હતી.

Author : Gujaratenews