યુપીના ઈટાવા ખાતેના લાયન સફારી પાર્કમાં બે સિંહણ પણ કોરોનાગ્રસ્ત

09-May-2021

કોરોના હવે પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે.  અમુક દિવસ અગાઉ હૈદરાબાદ ઝૂમાં 8 સિંહ કોરોનાથી સંક્રમિત થયાની ઘટના સામે આવી હતી. જે પછી હવે યુપીના ઈટાવા ખાતે આવેલ લાયન સફારી પાર્કમાં બે સિંહણને પણ કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ અહેવાલ સામે આવતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું.

ગૌરી અને જેનિફર નામની બે સિંહણનો ટેસ્ટ કરાયો, સફારી પાર્કમાં બે સિંહણને પણ કોરોના થયો

સફારી પાર્કના અધિકારીઓએ કહ્યું હતું કે, ગૌરી અને જેનિફર નામની બે સિંહણનો ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 30 એપ્રિલે આ બંને સિંહણોએ ભોજન પૂરૂ કર્યુ નહોતું. જે પછી સફારી પાર્કના ડોકટરોએ તેમનો કોરોના ટેસ્ટ કર્યો હતો. આ સાથે તેમને તાવ હોવાનું પણ દેખાયું હતું. તેમના બ્લડ ટેસ્ટના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

હાલમાં બંને સિંહણની સારવાર ચાલુ, સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા

હાલમાં બંને સિંહણની સારવાર ચાલુ છે અને તેમને આઈસોલેશનમાં રખાઈ છે. અન્ય નિષ્ણાંતોનો પણ સારવાર માટે અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તંત્ર દ્વારા હવે પ્રાણીઓ પાસે જનારા કર્મચારીઓને પીપીઈ કિટ પહેરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ તમામ કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. અહીંના લાયન સફારીમાં હાલમાં 18 સિંહોને રાખવામાં આવ્યા છે.

Author : Gujaratenews