ગુજરાતના આ ગામમાં કેદારનાથ જેવી સ્થિતિ, વાદળ ફાટતા 10 ઇંચ વરસાદ, તમામ રોડ રસ્તા ધોવાઇ ગયા

26-Jul-2021

લાંબા વિરામ બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર ભરમાં પ્રવેશ કર્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા છે, ત્યારે ધોરાજી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. જેમાં મોટીમારડ ગામમાં ધોધમાર 10 ઇંચ જેવો વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગામની હાલત પણ ખરાબ થઇ ગઈ હતી. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. જેમાં રાજકોટ શહેર બાદ તેના તમામ તાલુકા માં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા તો કોઈ જગ્યાએ મેઘરાજાએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ હતું. જેમાં ધોરાજી તાલુના મોટીમારડ ગામ ઉપર માત્ર 3 થી 4 કલાકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેને લઈને ગામની નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરના પાણી ગામમાં આવી ગયા હતા. ગામ શેરી અને ગલીઓમાં પણ નદીના પાણી ઘુસી ગયા હતા. જયારે જેના ઘરો થોડા પણ નીચાણ વાળા વિસ્તારમાં મકાન કે ઘર હતા ત્યાં તેઓના ઘરમાં પણ પાણી ઘુસી જતા લોકોની હાલત ખરાબ થઇ હતી. ગલીઓમાં અને શેરીઓમાં નદીના પાણી ઘુસી જતા કાદવ અને કીચડનું સામ્રાજ્ય ઉભું થયું હતું. સતત વરસી રહેલ વરસાદના પગલે લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા ન હતા અને વરસતા વરસાદમાં ભયના ઓથાર નીચે રાત વિતાવી હતી.

Author : Gujaratenews